રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા દેશી બનાવટના હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર હથિયાર બનાવવામાં આવતી હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ દ્વારા શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસને પ્રથમ ૬ દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા અને બાદમાં પોલીસે કારખાનેદાર ૪ની ધરપકડ કરી કુલ ૧૭ જેટલા દેશી બનાવટ તમંચા તેમજ હથિયાર બનાવવાના ઓજારો પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેર પોલીસે ગેરકાયદેસર દેશી હથિયાર બનાવતા હિરેન સરધારા, હર્ષદ હોથી, અલ્પેશ વસાણી અને બાલુ સીસોદીયાની ધરપકડ કરી લીધી છે. રાજકોટ ના કોઠારિયા રોડ પર આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર બનાવવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે રાજકોટ SOG પોલીસે કારખાના પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને ૬ હથિયાર મળી આવ્યા હતા.


પોલીસે કારખાનેદાર હિરેનની આકરી પૂછપરછ કરતા તેમની સાથે અન્ય ૩ શખ્સો સંડોવાયા હોવાની હકીકત જણાવી હતી. જેના આધારે પોલીસે અન્ય આરોપીની ધરપકડ કરી વધુ હથિયાર કબજે કર્યા હતા. પોલીસે ૪ આરોપી પાસેથી કુલ ૧૭ દેશી બનાવટના તમંચા કબજે કરી કુલ ૯૮૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસને કારખાના પરથી ૧૭ તમંચા ઉપરાંત હથિયાર બનાવવાના સાધનો અને ઓજારો મળી આવ્યા હતા જેમાંથી અન્ય ૧૦ જેટલા હથિયાર બની શકે તેમ હતા. 


રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા અન્ય રાજ્યો કરતાં ઓછી કીમતે વેચવા ગેરકાયદેસર હથિયાર બનાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા હથિયાર બનાવવાનું કારખાનું છેલ્લા એકાદ મહિનાથી ધમધમતું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આરોપી દ્વારા અગાઉ કેટલા લોકોને હથિયાર વહેચવામાં આવ્યા છે ઉપરાંત તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ આમ અલગ-અલગ દિશા તરફ વધુ તપાસ હાથ ધરી છે. 


પ્રજાસતાક દિવસ નજીક આવતાની સાથે રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અંગે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેવામાં રાજકોટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહ હાથ ધરી છે. ત્યારે હથિયાર બનાવતા આ શખ્સો કોઈ મોટા ગુન્હાને અંજામ આપવાના હતા કે પછી રૂપિયા કમાવવાની લાલચે હથિયાર બનાવતા હતા તે દિશા તરફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.