• રાજ્યભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી

  • રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો

  • સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪ ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

  • ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકાથી વધુ

  • સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ ૧૭૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો


Gujarat Rainfall: ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું છેલ્લા બે દિવસથી જોર ઘટ્યું છે. પરંતુ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે, સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪ ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અન્ય તમામ જિલ્લામાં સરેરાશ એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ વરસ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલુકાની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં ૮ ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ૭ ઈંચથી વધુ, કચ્છના અબડાસા તાલુકામાં ૬ ઈંચથી વધુ તેમજ અંજાર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, કચ્છના ગાંધીધામ, ભુજ અને લખપત તાલુકામાં ૨-૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


આ ઉપરાંત કચ્છના નખત્રાણા અને ભચાઉ, જૂનાગઢના ભેસાણ, રાજકોટના લોધિકા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જામનગરના જોડીયા, સુરેન્દ્રનગરના ચુડા અને ચોટીલા, અમદાવાદના ધોલેરા, બનાસકાંઠાના દાંતીવાડા, અરવલ્લીના ભિલોડા, નવસારીના ચીખલી, સાબરકાંઠાના પોશીના અને ડાંગના સુબિર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના આશરે ૨૦૦ તાલુકામાં એકથી ઓછો વરસાદ વરસ્યો હતો. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૨૨ તાલુકામાં સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.


સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ અનુસાર આજે તારીખ ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૭ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૪ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૫ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૭ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.