Gujarat Weather Forecast: લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. લોકો ભરચોમાસે પણ ઉનાળા જેવી ગરમીનો સામનો કરી રહ્યાં છે. ઓગસ્ટ પત્યો અને હવે સપ્ટેમ્બર શરૂ થયો જોકે, હજુ સુધી વરસાદના કોઈ વાવળ નથી. ત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે ક્યારે આવશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના એંધાણ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં હાલ કોઈ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી. હવામાન વિભાગે માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ સિમિત રહેવાની આગાહી કરી છે. આ સિવાય રાજ્યના લગભગ તમામ જિલ્લા હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે પણ રાજ્યના દક્ષિણ ભાગમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છેકે, ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે, સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદનું ટીપુંય પડ્યું નથી. ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે.


ક્યાં પડશે વરસાદ?
સપ્ટેમ્બર શરૂ થતા કેટલાંક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ  ક્રિએટ થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના તમામ ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. આગામી સમયમાં પણ આજ ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે.


અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને તે બાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકૂળ હવામાન બન્યું છે, આગામી સમયમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને રાજ્યમાં મેઘ મહેર થઈ શકે છે, જોકે, હવામાન વિભાગ દ્વારા હાલમાં નવી સિસ્ટમ અંગે કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમીમાં પણ આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે પરંતુ જો વાદળો દૂર થાય તો સામાન્ય ફેરફાર થઈ શકે છે. જોકે, પાછલા 2 દિવસથી હળવો તડકો રાજ્યના ઘણાં ભાગોમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હાલ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. ભેજવાળા પવનોના કારણે સાંજના સમયે બફારો પણ અનુભવાઈ રહ્યો છે.