ગુજરાત પર વધુ એક સંકટ, નિષ્ણાતોએ કરી કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.
7થી 9 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડશે
ડિસેમ્બરમાં આવનાર માવઠામા ભર શિયાળે માવઠાથી જીરાં, ચણા સહિતના પાકને ભારે નુકસાન થઈ શકે છે. જો કે હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. જેથી 7થી 9 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની સંભાવના છે. તો 19 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવી શકે છે. પરંતુ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય–પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને ગાત્રો થીજવતી ઠંડીની પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : સુરતીઓમાં લગ્નને યાદગાર બનાવવાની હોડ લાગી, યુવક હેલિકોપ્ટરમાં જાન લાવ્યો, તો દીકરીને કન્યાદાનમાં અપાઈ સોલાર પેનલ
ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી રહ્યુ છે. કચ્છના નલિયાનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. તો પાટનગર ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. ડીસા અને અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીનું તાપમાન 18 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરનું તાપમાન 19 ડિગ્રી, દ્વારકા અને કેશોદનું તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. આમ, ગુજરાતભરમાં ગુરુવારની સવારે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઠંડા પવનો ફુંકાયા હતા.
માવઠાથી ખેડૂતો પરેશાન
ડાંગ જિલ્લામાં જિલ્લામાં સતત ચાર દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા, સુબિર, ચીંચલી, વઘઈ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેના કારણે ખેડૂતોએ ખેતરમાં કાપીને મુકેલો ડાંગરનો પાક પલળી ગયો જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. જે બરબાદ થઈ જતા ખેડૂતોનું આખું વર્ષ બગડી શકે છે. મોટાભાગનું ડાંગર ખાવાલાયક પણ ન રહેતા ખેડૂતો સરકાર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો : સેલવાસની મદરેસા થઈ બદનામ, સગીરા સાથે ગંદુ કામ કરનાર મૌલાના આખરે પકડાયો, પરિવારે કરી ન્યાયની માંગ
કમોસમી વરસાદથી પાકને નુકસાન
બનાસકાંઠાના લાખણી પંથકમાં કમોસમી વરસાદના કારણે દાડમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદના કારણે સુકારા નામનો રોગ દાડમમાં આવતા દાડમ કાળા પડીને વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકના મોટાભાગના ખેડૂતો દાડમનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. જેથી કરીને લાખણીને દાડમનું હબ માનવામાં આવે છે. લાખણી પંથકના દાડમની દેશના વિવિધ રાજ્યોમાં ભારે માંગ છે. આ વર્ષે પણ લાખણી પંથકના ખેડૂતોએ 6 મહિના પહેલા મોંઘા બિયારણો અને ખાતર નાખીને પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં દાડમનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.