ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દમણ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં હાલ હેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે, તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 15થી 16 ડીગ્રી થવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરશિયાળે માવઠું
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. સૌથી ઓછું કચ્છના નલિયાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોનું પણ તાપમાન ગગડ્યું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનુ જોર વધશે. તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે. 


વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતના અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધુમમ્સનું સામ્રાજ્ય છવાઈ જાય છે. વહેલી સવારથી ઝાકળનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તા પર ધુમમ્સ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝીબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખવી ફરજીયાત બની ગયુ છે. તો સાથે જ વહેલી સવારથી ઠંડીનો શિતગાર અનુભવ થઈ રહ્યો છે.