ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દલિતો પર અત્યાચારની ઘટનામાં ખૂબ વધારો થયો છે. આજે ફરી ગાંધીનગરમાં આવીજ ઘટના બની છે. માણસના પારસા ગામે દલિત યુવકનો વરઘોડો અટકાવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર માણસાના પારસા ગામે એક દલિત યુવાનનો વાજતે-ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારે રસ્તામાં અન્ય સમાજના લોકો આવી ચઢ્યા અને વરઘોડો અટકાવવામાં આવ્યો હતો. વરરાજાને ઘોડા પરથી નીચે ઉતાર્યો હતો. ત્યારે આ મામલો વધુ ગરમાયો હતો. આ ઘટના જોતા આસપાસના લોકો એકઠા થયા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી અને મામલો થાળે પાડ્યો હતો. 



જિગ્નેશ મેવાણીનું ટ્વીટ
આ ઘટના બાદ વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેસ મેવાણીએ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યો છે. જિગ્નેશે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ગઈકાલે ડીજીપી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે. આજે સમાચાર મળી રહ્યાં છે કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામે દલિત સમાજના વરરાજાને ઘોડી પરથી ઉતારીને અપમાનિત કરવામાં આવી રહ્યાં છે. નક્કી આ સરકારનું ષડયંત્ર લાગી રહ્યું છે.