ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ રાજ્યમાં ચૂંટણી પહેલા સૌથી મોટો પ્રશ્ન નરેશ પટેલને લઈને ચાલી રહ્યો છે. રાજ્યમાં ઘણા સમયથી પાટીદાર આગેવાન નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રીને લઈને ચર્ચા ચાલી રહી છે. આવતીકાલ એટલે કે ગુરૂવારે ખોડલધામમાં નરેશ પટેલ પત્રકાર પરિષદ કરવાના છે. જેમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ વર્ચ્યુઅલી જોડાવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર ગુરૂવારે ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટની જુદી-જુદી સંસ્થાઓની બેઠક મળવાની છે. આ બેઠકમાં નરેશ પટેલના રાજકીય ભવિષ્ય પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠક બાદ નરેશ પટેલ પત્રકાર પરિષદ યોજી પોતાની રણનીતિનો ખુલાસો કરશે. હવે માહિતી મળી છે કે નરેશ પટેલ સાથે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ પત્રકાર પરિષદમાં વર્ચ્યુઅલી જોડાશે. 


નરેશ પટેલ રાજકારણમાં જોડાશે નહીંઃ સૂત્રો
નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રીને લઈને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જે અટકળો ચાલી રહી છે તેના પર ગુરૂવારે વિરામ લાગી શકે છે. સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના નથી. આ અંગે ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની ગુરૂવારે કાગવડમાં બેઠક યોજાવાની છે. 


ખોડલધામની બેઠકમાં લેવાશે નિર્ણય
ગુરૂવાર એટલે કે 16 જૂને ખોડલધામની ત્રણેય સંસ્થા જેમાં ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહેવાના છે. આ બેઠક બાદ નરેશ પટેલ રાજનીતિમાં ન જોડાવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. 


નરેશ પટેલ યોજી શકે છે પત્રકાર પરિષદ
મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી કરશે તેવી અટકળો ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને પાર્ટીમાં આવકારવા માટે તૈયાર છે. તો અનેક વખત નરેશ પટેલ આ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે ખોડલધામની ત્રણેય સંસ્થાઓ સાથે બેઠક યોજી નરેશ પટેલ પત્રકાર પરિષદ યોજશે. જેમાં તે તમામ જાહેરાત કરે તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube