Gujarat Election Result : ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અકલ્પનીય છે.. ઐતિહાસિક એફર્ટથી ભાજપે 156 બેઠક જીતી.. પરંતુ સવાલ એ છેકે આખરે સૌથી મોટી આ જીતનું કારણ શું છે..? આ જીત પાછળ જવાબદાર છે ભાજપનો કાર્પેટ બોમ્બિંગ ચૂંટણી પ્રચાર.. પ્રધાનમંત્રી મોદીની આ સ્ટ્રેટેજી કેવી રીતે બની માસ્ટર સ્ટ્રોક જુઓ આ રિપોર્ટમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 જિલ્લાને ટાર્ગેટ
4 ભવ્ય રોડ શો
27 જાહેર સભા
અને 147 બેઠક


ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો મેળવી છે. જો કે, આ વિજય કાંઈ એમ ને એમ તૈયાર સજાવીને તાસકમાં નથી મળ્યો. આ જીત પાછળ ગુજરાતમાં ભાજપની ટોચની નેતાગીરીના પ્લાનિંગથી માંડીને મતદાન સમયે પેજપ્રમુખોએ કરેલી મહેનત સુધીનો સૌથી મોટો ફાળો છે. અને સૌથી મોટું કારણ છે કાર્પેટ બોમ્બિંગ. ખુદ પ્રધાનમંત્રી મોદીએ 100 કિલોમીટરથી વધુ અંતર કાપતા 4 રોડ-શો કર્યા અને 21 જિલ્લામાં 26 સભાઓ ગજવીને 147 બેઠકોને આવરી લીધી હતી.
 
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પોતાની હોમપીચ પર આ વખતે ગજબની બેટિંગ રહી હતી. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ખૂબીપૂર્વક ગુજરાતને સ્પર્શતા મુદ્દાઓ જ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત છેલ્લી-છેલ્લી સભાઓમાં વ્યૂહાત્મક રીતે વિકાસની વાતો પરથી રમખાણોની યાદો દેવડાવવાનો માસ્ટરસ્ટ્રોક ભાજપને ફળ્યો હતો.
 


અમિત શાહે પ્રચાર દરમિયાન ગુજરાતનો એક પણ ખૂણો બાકી રાખ્યો નહોતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 20 જિલ્લામાં 36 સભાઓ ગજવી હતી. આ ઉપરાંત 5 જેટલા રોડ શો પણ કર્યા હતા. શાહે સંગઠનની ડોર પણ લગીરે ઢીલી થવા દીધી નહોતી. મતદાનના દિવસે મતદારોને બૂથ સુધી લઈ આવે તે મેનેજમેન્ટ પર શાહે સતત ચાંપતી નજર રાખી હતી.
 
શહેરી વિસ્તારોમાં મોદી અને અમિત શાહનો જલવો જોવા મળ્યો તો ભાજપે પ્રચારમાં ગ્રામીણ વિસ્તારોમાં યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા હતા. યોગીએ પણ ગુજરાતના મોટાભાગના ગ્રામિણ વિસ્તારોમાં માત્ર અને માત્ર હિન્દુત્વના મુદ્દે જ ભાષણો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. યોગીએ પણ ગુજરાતના ચૂંટણીપ્રચારમાં કોઈ કસર બાકી ન રાખતા 3 રોડ-શો અને 18 જિલ્લામાં 19 જાહેરસભાઓ પણ કરી હતી. 
 
આ સિવાય ભાજપે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓને પણ પ્રચારના કામે લગાડ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા સહિત અનેક નેતાઓએ પ્રચારની કમાન સંભાળી હતી.. 


આ વખતની ચૂંટણીઓમાં સૌથી વધુ ઉડીને આંખે વળગે તેવી બાબત કોંગ્રેસના પ્રચારનો અભાવ હતી. એકતરફ મોદી, અમિત શાહ, યોગી, જેપી નડ્ડા, સ્મૃતિ ઈરાની જેવા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સભાઓ ગજવી રહ્યા હતા. તો બીજી તરફ અરવિદ કેજરીવાલ શહેર-શહેર ફરીને AAP માટે સપોર્ટ મેળવવા મથી રહ્યા હતા.. પરંતુ કોંગ્રેસ પ્રચારમાં પણ મેદાને ન હોય તેવું લાગી રહ્યું હતું.