અલ્કેશ રાવ/ભાભર : કડવા લીમડાના વૃક્ષ વિશે તો સૌ કોઈ જાણતા જ હશો ને ? લીમડો શીતળ છાયા તો આપે જ છે, સાથે-સાથે ઔષધીય ગુણથી પણ ભરપૂર હોય છે. પરંતુ તમે આવુ સાંભળ્યું છે કે, લીમડાના વૃક્ષમાંથી સારી આવક પણ મેળવી શકાય ? જી.... હા જો તમે સાંભળ્યું કે વાચ્યું હોય તો તે બિલકુલ સાચું છે અને જો ના સાંભળ્યું કે ના વાચ્યું હોય તો જાણીલો કે કડવા લીમડાના વૃક્ષ પણ મીઠી આવક આપે છે. લીમડાની લીંબોળીમાંથી કેવી આવક થાય છે ? કેવી રીતે વેચાણ થાય છે ? જેવા તમારા મનમાં ઉદ્દભવતા તમામ પ્રશ્નોના જવાબો વિગતે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂકા પ્રદેશમાં વસતા બનાસવાસીઓ શીતળ છાયા અને લાકડા માટે લીમડાનો ઉછેર  વર્ષોથી કરતા હતા. પરંતુ આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના એક નિર્ણયથી લીમડાની લીંબોળીના પણ ભાવ આવ્યાં છે. રાસાયણીક ખાતરોને નીમ કોટેડ કરવાના નિર્ણયથી અપાર ઔષધીય ગુણો ધરાવતા લીમડાની લીંબોળીની માંગ ફર્ટીલાઈઝર કંપનીઓમાં વધી ગઇ છે. જેના લીધે બનાસવાસીઓ લીમડાની લીંબોળીમાંથી વધારાની આવક મેળવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાની ભાભર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે ખાદ્ય પાકો, તેલબીયાં પાકોનું ખરીદ-વેચાણ તો થાય જ છે, પરંતુ આ માર્કેટયાર્ડ ખાતે લીંબોળીની મોટા પ્રમાણમાં ખરીદી અને વેચાણ પણ થાય છે. ભાભરની માર્કટયાર્ડની લીંબોળી તમિલનાડુ, મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં સ્થાપાયેલ વિવિધ ફર્ટીલાઈઝર કપંનીઓમાં જતી હોવાથી તેની માંગમાં વધારો થયો છે.
       
ભાભર માર્કટયાર્ડ ખાતે દર વર્ષે જૂન અને જુલાઈમાં લીંબોળીની સારી આવક થાય છે, જેમાં આ વર્ષે જૂન મહિનામાં દૈનિક ૭,૫૦૦ બોરીની આવક થઈ છે, લીબોળીંની એક બોરી અંદાજે ૪૫ કિ.ગ્રા.ની આવે છે એટલે જૂન મહિનામાં દૈનિક અંદાજે આવક ૩૦ લાખ કિ.ગ્રા.ની આજુબાજુ આવક થઈ હતી. જુલાઈ મહિનામાં લીંબોળીની આવક દર વર્ષની જેમ આવક ઓછી થાય છે. જેમાં વર્તમાનમાં દૈનિક આવક ૪,૦૦૦ બોરીની આસપાસ થાય છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના “વૃક્ષો વાવો અને વરસાદ લાવો” ના ધ્યેય મંત્રને અનુસરીને ભાભર માર્કેટયાર્ડે પણ એક જ ધ્યેય મંત્ર બનાવ્યો છે કે, “લીમડા વાવો, લીંબોળી લાવો.” તેમણે કહ્યું કે, આ વિસ્તારના ખેડુતો પોતાના ખેતરના શેઢે-પાળે લીમડાના ઝાડ વાવી ખેતીની સાથે વધારાની આવક મેળવી રહ્યાં છે. 
         
મહત્વની વાત એ છે કે જ્યારે અમુક વર્ષો પહેલા લીંબોળીની આવક શરૂ થઈ ત્યારે ૨૦ કિ.ગ્રા.ના માત્ર ૧૦ રૂપિયાનો ભાવ હતો અને સામે આવક પણ બહુ જ ઓછી હતી. પરંતુ દર વર્ષે ભાવ પણ વધતો ગયો છે અને સામે લીંબોળીની આવક પણ વધતી જાય છે. આ વર્ષે જૂન મહિનામાં ૩૨૦ રૂપિયા મણના ભાવ લીંબોળીની ખરીદી કરાઈ છે અને ચાલુ મહિને ૨૩૦ થી ૨૮૦ રૂપિયે લીંબોળી ખરીદાઈ રહી છે , ભાભર માર્કેટયાર્ડની લીંબોળી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડું સહિત દેશના અનેક રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. સાંતલપુર, હારીજ જેવા ભાભરથી ૧૦૦ કિ.મી. અંતર સુધીના ખેડૂતો અહીં લીંબોળી વેચવા આવે છે અને તેમને સારા ભાવ પણ મળી રહે છે. પરંતું જો જી.એન.એફ.સી. દ્વારા લીંબોળની મોટાપાયે ખરીદી કરવામાં આવે તો ખેડુતોને હજી પણ વધારે ભાવ મળી શકે છે.  
 
દર વર્ષે લીંબોળીના ભાવ વધતા જતા ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળ્યાં છે. લીંબોળી માટે કોઈ ખાસ મહેનત કે દવાની પણ જરૂર પડતી નથી. લીમડાના ઉછેરથી પર્યાવરણનુ જતન થાય છે, નીમ મહોરનો આઠ પહોરીઓ જ્યુસ, દાંતણ જેવા ઔષધીય ગુણોથી પણ લીમડો ભરપૂર હોય છે. આમ, લીમડો ખૂબ જ ગુણકારી તો જ છે જ તેની લીંબોળીમાંથી સારી આવક થતી હોવાથી કડવો લીમડો ખેડુતોને મીઠો મધ જેવો લાગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube