અમદાવાદઃ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ અને પાટીદાર અનામત અંગે રણનીતિ ઘડવા દિનેશ બાંભણીયાની આગેવાનીમાં અમદાવાદમાં પાસ કન્વીનરોની બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં રાજકીય ચર્ચાઓ કરાતી હોવાનું જણાવી સામાજીક બેઠક માટે મંજૂરી આપનાર હોટલ માલિકે અધવચ્ચેથી રૂમની લાઇટો બંધ કરી દેતા પાસ કન્વીનરો અને હોટલ સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન હોબાળા વચ્ચે હાર્દિક પટેલ સહીતના કન્વીનરોએ ચાલતી પકડતા પુનઃ પાસ કન્વીનરો વચ્ચેનો આંતરીક ખટરાગ સપાટી પર આવી ગયો હતો. જ્યાં પાસ દ્વારા સરકારના ઇશારે બેઠકમાં વિક્ષેપ ઉભા કરવાનો આરોપ લગાવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રીય થયેલા પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનરો પુનઃ સક્રીય થયા છે. તેમાંય તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આર્થિક ધોરણે અનામત આપાવાની વાત કરતા ગુજરાતમા પાટીદારોએ પણ પોતાની માંગણી વધુ તેજ કરી છે. ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળે તેમજ અનામતની લડાઇ આગળ કેવી રીતે વધારવી તે માટે દિનેશ બાંભણીયાની આગેવાની સોલા વિસ્તારમાં આવેલી ઇલાઇટ બિલ્ડીગના એક ખાનગી બન્ક્વેટ રૂમમાં એક બેઠક મળી.


આ બેઠકમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ, નિખીલ સવાણી સહીતના કન્વીનરો અને કાર્યકરો પણ ઉપસ્થીત રહ્યા હતા. જ્યાં તેઓએ પ્રાસંગીક ઉદબોધન દરમિયાન આડકતરી રીતે એકબીજા પર જ પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે તમામ કાર્યક્રમો જેની આગેવાનીમાં થાય છે એવા હાર્દિક પટેલે દિનેશ બાંભણીયા દ્વારા બોલાવાયેલી આ સભામાં પાછલી હરોળમાં જગ્યા લીધી હતી. 


આ દરમિયાન હાર્દિક પટેલે આગામી 26મી નવેમ્બરના મૌન રેલીના દિનેશ બાંભણીયાના આયોજન સંબંધી આડકતરી રીતે સુચનો કર્યા હતા. તેણે કહ્યું કે, કોઇપણ આયોજન કરતા પહેલા તમામ બાબતો વિચારી લેવી જોઇએ.