* સરકાર પાસે વ્યાપક સત્તા હોવા છતા નિર્ણય શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.
* શાળાઓ અને વાલી તમામના હિત સચવાય તે પ્રકારે સરકાર યોગ્ય નિર્ણય લે તે જરૂરી
* શાળાઓ દ્વારા ફીમાં ઘટાડો કરવા માટેની તૈયારી પણ દર્શાવવામાં આવી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : શાળાઓ દ્વારા વસુલવામાં આવતી અસહ્ય ફી અને શિક્ષણનું ખાનગીકરણ ગુજરાતમાં હંમેશાથી જ એક મુદ્દો રહ્યો છે. પરંતુ કોરોનાને કારણે આવેલા લોકડાઉનમાં આ મુદ્દો વધારે ગુંચવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓ નવા સત્રથી જ બંધ છે. જેના કારણે વાલી દ્વારા શાળાઓને ફી ચુકવવામાં નથી આવી રહી. બીજી તરફ શાળાઓ પણ ફી વસુલવા માટે અવનવા હથકંડા અપનાવીને દબાણ કરી રહી છે. આ મુદ્દે સરકાર દ્વારા વારંવાર મધ્ય્થી કરવા છતા તેનો કોઇ ઉકેલ નહી આવતા આખરે સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. 

હાઇકોર્ટ દ્વારા આ મુદ્દે સુનાવણી કરતા સરકારને ટકોર કરવામાં આવી હતી કે, સરકાર પાસે ખુબ જ વિશાળ સત્તા છે. જો કે સરકારે આ મુદ્દે ખુબ જ દુર્લક્ષ સેવ્યું અને કોઇ પણ પક્ષ નારાજ ન થાય તે માટે હાઇકોર્ટની મધ્યસ્થી કરી હોવાનું કોર્ટે સરકારને ટકોર કરી હતી. સરકાર દ્વારા યોગ્ય સમાધાન લાવવામાં આવે તે જરૂરી હતું. 

આ અંગે શાળાઓ દ્વારા પોતાનો પક્ષ મુકતા જણાવાયું કે, શાળા દ્વારા પણ માનવતાના ધોરણે કેટલાક પગલા લેવાયા છે. જેમ કે ટ્યુશન ફી અને અન્ય કેટલીક ફી વસુલવામાં નથી આવી રહી. જેના કારણે વાલી મંડળને ફીમાં 30થી 50 ટકા જેટલી રાહત તો મળી જ રહી છે. પરંતુ સંપુર્ણ ફી માફી શાળાઓ માટે શક્ય નથી. શાળા તંત્ર પડી ભાંગે તેવી ભીતી પણ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે. જો કે આમ છતા પણ અમે હજી વધારે સ્કુલ ફી ઘટાડવા માટે તૈયાર છીએ તેવી તૈયારી પણ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી શકે છે. જો કે આ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે વ્યાપક સત્તા છે માટે સરકાર દ્વારા જ યોગ્ય નિર્ણય લેવામાં આવે આ મુદ્દે હાઇકોર્ટ મધ્યસ્થી ન કરી શકે તેમ કહીને અરજીનો નિકાલ કર્યો હતો. સરકાર જ આ મુદ્દે કોઇ યોગ્ય નિર્ણય લે તેવી પણ ટકોર કરી હતી.

કોર્ટ દ્વારા સરકારને ફી નિર્ધારણ મુદ્દે કરવામાં આવેલી ટકોર બાદ સરકાર પણ જાણે અચાનક જાગી હોય તેવું લાગી રહ્યું છે. સુત્રોના હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર સરકાર હાઇકોર્ટનાં ચુકાદાનો અભ્યાસ કરશે. આ ચુકાદાનું યોગ્ય અધ્યયન કર્યા બાદ શાળા અને વાલી કોઇને પણ નુકસાન ન પહોંચે અને સૌકોઇના હિત જળવાય તે પ્રકારનો કોઇ વચ્ચેનો માર્ગ કાઢે તેવી શક્યતા છે. આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આ અંગે મહત્વની બેઠક યોજાઇ શકે છે.