ભાવનગર જિલ્લાના સિહોરમાં પાણીની પારાયણનો અંત ક્યારે? આઠ દિવસે મળે છે ડહોળું અને સ્વાસ્થ્ય માટે ખતરારૂપ પાણી
સિહોરનો લીલાપીર વિસ્તાર કે જ્યાંના રહીશો પાણી માટે ભારે કકળાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આઠ દિવસે પાણી આપવામાં આવે છે અને એ પણ ડહોળું.. જેથી આવા પાણીને પીવાના ઉપયોગમાં લેવામાં આવતા તેમના સ્વાસ્થ્ય સામે અનેક સવાલો ઉભા થઇ શકે છે.
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાનું સિહોર કે જ્યાં વર્ષોથી પાણીની પારાયણ સર્જાય છે અને તેનો કોઈ ઉકેલ આજદિન સુધીમાં કોઈપણ પક્ષના શાસકો લાવી શક્યા નથી ત્યારે આ વર્ષે પણ હજુ ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ પાણીની પારાયણના દ્રશ્યો સિહોરમાં જોવા મળી રહ્યા છે. આ ગામમાં હજુ પાણી 6 કે 8 દિવસે આપવામાં આવે છે અને એ પણ ડહોળું પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની વાતો કરતી ભાજપા સરકાર સિહોરમાં પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના સિહોરમાં ૩ દશકામાં ગમે તેવો સારો વરસાદ પડ્યો હોય પણ ઉનાળાની શરૂઆત થાય અને અહી પાણીની પારાયણ ના સર્જાય તો જ નવાઈ લાગે. કારણ કે આ સમયગાળામાં આવેલા કોઈપણ પક્ષના શાસકોએ ચુંટણીના એજન્ડામાં ભલે પાણીની સમસ્યાના કાયમી ઉકેલની વાતો કરી હોય પરંતુ હકીકતમાં તે આજદિન સુધી તેનો કોઈ કાયમી ઉકેલ લાવી શક્યું નથી. જેનું પરિણામ જયારે હવે ઉનાળા ઋતુનો પ્રારંભ થયો છે ત્યાં જ સિહોરમાં જોવા મળી રહ્યો છે જેમાં સિહોરનો લીલાપીર વિસ્તાર કે જ્યાંના રહીશો પાણી માટે ભારે કકળાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આઠ દિવસે પાણી આપવામાં આવે છે અને એ પણ ડહોળું.. જેથી આવા પાણીને પીવાના ઉપયોગમાં લેવામાં આવતા તેમના સ્વાસ્થ્ય સામે અનેક સવાલો ઉભા થઇ શકે છે.
જયારે આઠ દિવસે પાણી આવતું હોય બાકીના દિવસોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા આ વિસ્તારની મહિલાઓને પાણી ભરવા દુર દુર જવું પડે છે. તેમજ મોટા પીપમાં તેનો સંગ્રહ કરવો પડી રહ્યો છે. હજુ તો ઉનાળાનો પ્રારંભ છે ત્યારે આ સ્થિતિ છે તો ભરઉનાળે આ વિસ્તારના લોકોની દશાની તો કલ્પના જ કરવી રહી. પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા સરકાર અનેક યોજનાઓ પર કામ કરી રહી છે અને ટેન્કર રાજમાંથી મુક્તિની વાતો કરી રહી છે પરંતુ અહી હજુ અહીના લોકોને પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવીને પોતાની જરૂરિયાત સંતોષવી પડે છે. ત્યારે હવે આ વિસ્તારના લોકો નેતાઓ પર અકળાયા છે કે મત માંગવા સમયે હાથ જોડતા નેતાઓ હવે તેમની કોઈ રજૂઆત સંભાળતા નથી અને અમો હાથ જોડીએ છીએ પાણી માટે પરંતુ પાણી આવતું નથી.
મહીપરીયેજ યોજના હેઠળ સિહોર ન.પા ને માતબર રકમની ચુકવણી બાકી હોવાથી હાલ સિહોર ન.પા ગૌતમેશ્વર તળાવમાંથી પાણી ઉઠાવે છે. પરંતુ તે પાણી ડહોળું આવે છે, કારણ કે તળાવના સ્ત્રાવ વિસ્તારમાં આવતા અનેક ગામોની ગટરોનું પાણી તેમાં છોડવામાં અનેક ફેકટરીઓનું કેમિકલ યુક્ત પાણી આમાં છોડવામાં આવતું હોય એ પાણી તળાવમાં આવતા આ તળાવનું પાણી ગંદુ થઇ ગયું છે જે ભૂતકાળમાં માત્ર ફટકડી નાખવાથી શુદ્ધ થઇ હતું હતું તે હવે નથી થતું ત્યારે હવે સિહોરમાં પાણીની કાયમી સમયનું નિરાકરણ આવે તે જરૂરી છે.
અહી વર્ષો પહેલા કરોડો રૂ.ના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બની ને તૈયાર તો થયો પરંતુ તેનો આજદિન સુધી ક્યારેય લાભ સિહોરની જનતાને નથી મળી શક્યો હાલ તે ખંડેર જેવો બની ગયો છે એટલેકે પ્રજાના કરોડો રૂ. નું પાણી થઇ રહ્યું છે, ત્યારે હવે પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની વાતો કરતી ભાજપ સરકાર સિહોરમાં પાણીની સમસ્યાનો અંત લાવે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube