સપના શર્મા, અમદાવાદઃ  ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાથી અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના પાંચ જિલ્લાઓમાં હજુ વરસાદની ઘટ જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન વિભાગ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં નર્મદા, ખેડા અને વડોદરામાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે. 


આગામી 24 કલાકમાં શું છે આગાહી
રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો મંગળવારથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સિવાય અન્ય વિસ્તારમાં વરસાદની સંભાવના ઓછી છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. 


આ પણ વાંચોઃ CWC: જાણો સૌથી શક્તિશાળી ટીમમાં ગાંધી પરિવારની ભૂમિકા, એક ગુજરાતીનો સમાવેશ


અમદાવાદમાં પણ હવામાન વિભાગ પ્રમાણે હળવો વરસાદ થઈ શકે છે. રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં 26 ટકા વધારે વરસાદ થયો છે. તો કેટલાક જિલ્લા એવા છે, જેમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયો નથી. આ જિલ્લાઓમાં ખેડા, વડોદરા, ગાંધીનગર, દાહોદ અને નર્મદાનો સમાવેશ થાય છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 17 મિલીમીટર વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખુબ સારો વરસાદ થયો હતો. 


શું છે અંબાબાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લી, પાટણ, મેહસાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવે બંગાળનું ઉપસાગર સક્રિય થયું છે. હવે રાજ્ય તરફ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવશે. હાલ એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. તો 25 થી 26 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ ભારે હશે. જે બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે. એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રીપીકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ટમથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube