કોણ હતા મહેન્દ્ર મેઘાણી? હરતી ફરતી વિદ્યાપીઠના નામે કેમ જાણીતા બન્યા હતા
મહેન્દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્વ સાહિત્યમાં સારી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્વ સાહિત્યના ઉત્તમોત્તમ પુસ્તકો તેમણે અત્યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્યા છે.
Mahendra Meghani Passed Away: ગુજરાતના સાહિત્યજગતને ક્યારેય ના પુરાય તેવી ખોટ આજે પડી છે. ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે આજે સાંજે 8 વાગ્યાની આસપાસ 100 વર્ષની વયે નિધન થયું છે. 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રે 8 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર મેઘાણીના નિધનથી ગુજરાતના સાહિત્યજગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
4 ઓગસ્ટને ગુરુવારે અંતિમયાત્રા
મહેન્દ્ર મેઘાણીના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં તેઓના નિધનની જાણકારી આપવામાં આવી હતી. સાથે પોસ્ટમાં જણાવાયું હતું કે, મહેન્દ્ર મેઘાણીની સ્મશાન યાત્રા એમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી (વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર) તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.
હરતી ફરતી વિદ્યાપીઠના નામે ઓળખાતા
મહેન્દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્વ સાહિત્યમાં સારી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્વ સાહિત્યના ઉત્તમોત્તમ પુસ્તકો તેમણે અત્યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્યા છે. ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી મહેન્દ્રભાઈ ગુજરાતનાં ઘર ઘરમાં સારું વાંચન પહોંચે તે માટે અવિરત કાર્યરત રહ્યા છે. તેમણે ‘નહીં વીસરાતાં કાવ્યો’ નામનું પુસ્તક સંપાદિત કર્યું. તેમાં ‘અવારનવાર સંભારવાનું મન થાય તેવાં, સો કવિઓનાં સો કાવ્યો’ તેમણે મૂક્યાં છે. તે પહેલાંનાં વર્ષમાં ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, 'આપણો ઘરસંસાર’ અને ‘આપણાં બા’ નામનાં પુસ્તકો તેમણે તૈયાર કર્યાં. તેમાં અનેક લેખકોનાં ચૂટેલાં લખાણો વાંચવા મળે છે.
મહેન્દ્રભાઈએ તૈયાર કરેલાં લગભગ બધાં એટલે કે સો કરતાં વધુ પુસ્તકો આ પ્રકારનાં છે. મહેન્દ્રભાઈ અન્ય સામયિકો કે પુસ્તકોમાં વાંચવાં મળેલાં ઉત્તમ લખાણોને ટૂંકાવીને નજીવી કિંમતે પ્રસિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડ્યા છે. ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ, વૈવિધ્યપૂર્ણ અને સારા માણસનું ઘડતર કરે તેવું વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરમાં 1968માં શરૂ કરેલાં ‘લોકમિલાપ’ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં.
ઝવેરચંદ મેઘાણીના 90મી જન્મજયંતિના વર્ષ 1986 માં તેમણે 90 ગામની 90 દિવસની વાચનયાત્રા કરી હતી. ‘અડધી સદીની વાચનયાત્રા’ નામનાં સાહિત્ય સંકલનના પાંચ ભાગમાં મહેન્દ્ર મેઘાણીએ 21 સદીમાં ખૂબ નામના મેળવી હતી.
પુસ્તક પ્રકાશન માટેના ત્રણ માર્ગદર્શક સિદ્ધાન્તો મહેન્દ્રભાઈ પાસે...
આ દેશના સાધારણ પુસ્તકપ્રેમી પાસે પુસ્તક વાંચવા માટે સમય ઓછો હોય છે એટલે પુસ્તકનાં લખાણ ટૂંકાં અને પાનાં ઓછાં, પુસ્તક મૂકવા માટે જગ્યા ઓછી હોય છે એટલે પુસ્તકનું કદ નાનું, અને પુસ્તક ખરીદવા માટે પૈસા ઓછા હોય છે એટલે પુસ્તકની કિંમત ખૂબ ઓછી. આ મુજબ લોકમિલાપે 100 કરતાં વધુ પુસ્તકો બહાર પાડ્યાં.
‘બુક અને બૅલેટ’ થી ક્રાંતિ લાવવાનું સપનું જોનારા મહેન્દ્રભાઈએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ એવી સોળ પાનાંની ખિસ્સાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી. તેમાં ડેમૉક્રસીનો સૈકાઓનો અનુભવ ધરાવતા બ્રિટન અને અમેરિકાના ‘શાણા નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો’ મૂક્યા છે. 2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ભાવિ સંસદસભ્યો સંસદમાં ગેરવર્તણૂક ન કરે તેવી લેખિત બાંહેધરી મતદારોએ ઉમેદવારો પાસેથી લેવી જોઈએ તે માટેની ઝુંબેશ ચલાવવાની કોશિશ કરી હતી.
પિતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓના ઉપયોગની રૉયલ્ટી માટે લેખકના ગૌરવના મુદ્દે આકાશવાણી સામે લડ્યા હતા. મહેન્દ્રભાઈએ ‘મિલાપ’ નામનું ઉત્તમ વાચનસામગ્રી સાથેનું સંકલન સામયિક 1950 થી 28 વર્ષ સુધી ચલાવ્યું હતું. તેના પ્રકાશક-સંપાદક તરીકે મહેન્દ્રભાઈ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સેન્સરશીપ સામે લડ્યા હતા.
ભાવનગરમાં પુસ્તકની લારી લઈને બજારમાં ઊભા રહેતા હતા. દેશવિદેશમાં પુસ્તક મેળા કરતા હતા. એક સમયે તેમણે આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ નિમિત્તે પુસ્તકપ્રદર્શન માટે અમેરિકા અને યુરોપ જવાનું હતું. વિમાનની ટિકિટ પોષાય એવી ન હતી, એટલે લોકમિલાપે એર ઇન્ડિયાને સૂચન કર્યું કે તમે અમારી પાસેથી બાળકોનાં પુસ્તકો ખરીદો, તમારી દુનિયાભરની ઑફિસો તેમ જ મુસાફરોને આપો, અમને એ પુસ્તકો માટે પૈસા નહીં પણ એટલી કિંમતની ટિકિટ આપો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube