ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. તાજેતરમાં જ ગુજરાત પર આવેલા બિપોરજોય નામના સંકટ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલી કામગીરી અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓની માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ, કોસ્ટ ગાર્ડ, સશસ્ત્ર દળો, જીલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓ અને પ્રજા સહિત સૌના સામૂહિક પ્રયાસોથી ગુજરાતમાં ચક્રવાતના કારણે માનવ મૃત્યુ ઝીરો અને આર્થિક નુકશાન ઘટાડી શક્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ ૬૪૮૬ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડું પસાર થઇ ગયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી અત્યારસુધીમાં ૫૭૫૩ ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે બાકીના ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. પ્રભાવિત જિલ્લાઓમાં ૪૦૦ કેવી, ૨૨૦ કેવી અને ૧૩૨ કેવીની ક્ષમતાના ૧૨ સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો, જે તમામ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરાયો છે. આ ઉપરાંત ૬૬ કેવીના ૨૪૩ સબસ્ટેશનનો વીજ પુરવઠો પણ આ વાવાઝોડા દરમિયાન બંધ થયો હતો, જેમાંથી ૨૩૬ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુસ્થાપિત થઇ ગયો છે. બાકી રહેતા ૭ સબસ્ટેશનમાં ત્વરાએ વીજ પુરવઠો ફરી શરુ કરવા માટેની કામગીરી ચાલી રહી છે.વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન થયું હોવાનું મંત્રીએ કહ્યું હતું.


મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. જેના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ રૂ. ૧ કરોડ ૨૩ લાખ ૮૨ હજાર (રૂ. ૧,૨૩,૮૨,૨૪૦) જેટલી કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જ્યારે હજુ પણ કેશડોલ્સ ચૂકવવાની કામગીરી ચાલી રહી છે.


આ પણ વાંચોઃ 156 બેઠકોની જીત તો માત્ર ટ્રેલર, પાટીલે બનાસકાંઠામાં પાંચ લાખના પ્લાનનો કર્યો ખુલાસો


મંત્રીએ ઉમેર્યું કે, વાવાઝોડાની વિપરીત અસરોથી સંભવિત જિલ્લાઓમાં પશુમૃત્યાંકને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બાકી રહેતા પશુઓને બાંધી ન રાખવા અને છુટ્ટા મૂકવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. છતાં પણ વીજળી પડવાથી, ઝાડ નીચે દબાવાથી, વધારે સમય પાણીમાં ફસાયેલા રહેવાથી અને ઠંડીના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૧૩૨૦ પશુઓ અને ૧૯૦૭ મરઘાના મૃત્યું થયા છે. 


પાત્રતા મુજબ કુલ મરણ પૈકી ૧૧૨૯ પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. જેની અંદાજીત રકમ રૂ. ૧.૬૨ કરોડ છે. સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે.


મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતી પાકો અને બાગાયત પાકોમાં પણ નુકશાન જોવા મળ્યું છે. નુકશાનીના પ્રાથમિક અહેવાલ અનુસાર કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર તથા અન્ય જિલ્લાઓમાં કુલ ૮૨ હજાર હેક્ટર જેટલા બાગાયતી પાકોનો વિસ્તાર છે. જેમાં ૫૩ હજાર હેક્ટર વિસ્તારમાં નુકશાન થયા હોવાનો પ્રાથમિક અંદાજ છે. જેમાંથી ૧૪,૮૮૭ જેટલા ફળપાકોના ઝાડ ઢળી પડવાનો અંદાજો આવ્યો છે. સ્થિતિનો પૂરે પૂરો અંદાજ મેળવવા માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે.


આ પણ વાંચોઃ અમદાવાદ : 13 વર્ષની દીકરી પાસેથી મોબાઈલ લેતા તેણે માતાપિતાની હત્યાનો બનાવ્યો પ્લાન


મંત્રી  પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે સ્થિતિની ગંભીરતા સમજતા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે વાવાઝોડાની અસરો શરુ થાય તે પહેલા જ પ્રભાવિત જિલ્લાના દરિયાકાંઠામાં વસતા લગભગ એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાનો ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેમના માટે ખોરાક અને દવાઓ જેવી તમામ જરૂરિયાતની વ્યવસ્થાઓ કરાઈ હતી. તકેદારીના ભાગરૂપે સંબંધિત જિલ્લાઓમાં ૪૪૬૪ જેટલા હોર્ડિંગ દૂર કરાયા હતા, વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા ૧૫૦૮ ટીમ, તમા પીએચસી-સીએચસી ખાતે દવા અને લોજીસ્ટીક સ્ટોક, રાહત બચાવ માટે ૧૮ NDRF અને ૧૨ SDRFની ટીમો, પાણી પુરવઠો બંધ ન થાય તે માટે ડીઝલ જનરેટરની વૈકલ્પિક વ્યવસ્થા અને રોડ રસ્તાઓ પરથી આડસો અને ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવા માટે વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગની ટીમો પણ સજ્જ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube