રાજકોટ : ટિકીટ મેળવવાના પ્રયાસોમાં લાગ્યા નેતાઓ, શું મોહન કુંડારિયાનું પત્તુ કપાશે?
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે દરેક પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પહેલા કેટલાક નેતાઓ પક્ષ પલટો કરતા પણ અત્યારથી નજરે પડી રહ્યા છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર પણ બીજેપીમાં અંદરોઅંદર નારાજગીની વાતો સામે આવી રહી છે. સાંસદ મોહન કુંડારિયાને રિપીટ કરાશે તો ગત લોકસભાની જેમ આ વર્ષે પણ બીજેપીના કાર્યકર્તાઓની નારાજગીની ચર્ચાને લઈને રાજકારણ ગરમાયું છે.
સત્યમ હંસોરા/રાજકોટ :લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે દરેક પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પહેલા કેટલાક નેતાઓ પક્ષ પલટો કરતા પણ અત્યારથી નજરે પડી રહ્યા છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર પણ બીજેપીમાં અંદરોઅંદર નારાજગીની વાતો સામે આવી રહી છે. સાંસદ મોહન કુંડારિયાને રિપીટ કરાશે તો ગત લોકસભાની જેમ આ વર્ષે પણ બીજેપીના કાર્યકર્તાઓની નારાજગીની ચર્ચાને લઈને રાજકારણ ગરમાયું છે.
અન્ય નેતાઓએ ટિકીટ માટે જોર લગાવ્યું
લોકસભા 2019 માટે ચૂંટણી પંચે પોતાના પત્તા ખોલી નાંખ્યા છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપના આગેવાનોએ પણ આ બેઠક પર ટિકીટને લઈને અંદરોઅંદરના વિવાદે જોર પકડ્યું છે. રાજકોટ બેઠક પર હાલના સાંસદ મોહન કુંડારિયાને ફરી રીપીટ કરવાના વધુ ચાન્સ છે. તો બીજી તરફ કોંગ્રેસમાં તો હજુ ઉમેદવારી અંગેનો કોઈ અત્તોપત્તો નથી. પરંતુ રાજકોટ શહેર મોહન કુંડારિયાને રિપીટ ન કરવા અને પુષ્કર પટેલ કે ઉદય કાનગડ માટે પ્રયાસો આદરી દેવાયાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. આ બેઠક પર કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાથી પુષ્કર પટેલને ટીકિટ મળે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
કોણ છે પુષ્કર પટેલ
પુષ્કર પટેલ હાલ યુવા કોર્પોરેટર છે. તેમજ કડવા પાટીદાર સમાજમાં સારી નામના ધરાવે છે. જોકે શહેર ભાજપના ટોચના હોદ્દેદારોએ આ અંગે કોઈ ચર્ચા નથી કરતા. જ્યારે શહેર બીજેપી પ્રમુખ કમલેશ મીરાણીને આ અંગે પૂછાતા તેઓએ જણાવ્યું કે, આ બેઠક પર કોઈ વિવાદ નથી. પાર્ટી જેને ટિકીટ આપશે તેને જીતાડવા તનતોડ મેહનત કરીશું.
ગત ચૂંટણીમાં પણ મોહન કુંડારિયાનો વિરોધ થયો હતો
ગત લોકસભા ચુંટણી સમયે મોહન કુંડારિયાના નામની જાહેરાત થતાની સાથે જ રાજકોટ બીજેપી કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. એટલું જ નહિ, કાર્યકર્તાઓ દ્વારા પાર્ટીના આં નિર્ણયનો વિરોધ કરી બીજેપી કાર્યાલયની તાળાબંધી પણ કરાઈ હતી. પરંતુ બીજેપી હાઈકમાન્ડ દ્વારા સમજાવવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. જોકે આ મામલે કોંગ્રેસને પૂછાતા કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે, અમે તો ઈચ્છી રહ્યા છીએ કે, મોહન કુંડારિયાને ટીકિટ મળે. જેથી તેનો વિરોધ થાય તો તે ફાયદો અમને જ થશે. સાથો જ એ પણ જણાવ્યું હતું કે, મોહનભાઈનું કાર્યાલય રાજકોટમાં નહિ, પણ મોરબીમાં છે. રાજકોટના લોકોને કામ હોય તો મોરબી જવું પડે છે અથવા તો મોહનભાઈ રાજકોટ આવે તેની રાહ જોવી પડે છે.
જોકે, આ સમગ્ર મામલે મોહન કુંડારિયાએ ઓન કેમેરા કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ જણાવ્યું હતું કે, હું નથી માનતો કે મારી સામે કોઈ વિરોધ હોય. છતાં પાર્ટી હાઈકમાન્ડ કહે તેમ કરીશું. ભાજપમાં એક વખત ઉમેદવાર પસંદ થઈ જાય ત્યાર બાદ નેતાગીરી અસંતોષ અને વિરોધ કડક હાથે ડામી લે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આ વિરોધ કેવું સ્વરૂપ ધારણ કરે છે.