કોણ જીતશે જસદણનો જંગ? ભાજપ સામે કોંગ્રેસે પણ કસી કમર
જસદણ વિધાનસભાની બેઠક કબજે કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. તો સામે કોંગ્રેસ પણ આ બેઠક જાળવી રાખવાના મરણિયા પ્રયાસ કરી રહ્યો છે. ભાજપે ઉતારેલા દિગ્ગજો સામે કોંગ્રેસે પણ આ બેઠક જીતવા માટે પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.
રાજકોટ: જસદણ વિધાનસભાની બેઠક કબજે કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. તો સામે કોંગ્રેસ પણ આ બેઠક જાળવી રાખવાના મરણિયા પ્રયાસ કરી રહ્યો છે. ભાજપે ઉતારેલા દિગ્ગજો સામે કોંગ્રેસે પણ આ બેઠક જીતવા માટે પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.
જસદણની પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી વિજેતા બનેલા કુંવરજી બાવળિયા ભાજપમાં પ્રવેશ બાદ ફરી વિજયી બને તે માટે જસદણના મતદારોને આકર્ષવા માટે 18 દિગ્ગજ નેતાઓને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્રના જાણીતા નેતાઓને જસદણના જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર, ઉનાના ધારાસભ્ય અને કોળી નેતા પૂંજાભાઈ વંશ તેમજ લીંબડીના ધારાસભ્ય તથા કોળી નેતા સોમાભાઈ પટેલને જસદણની જીતની જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસની પરંપરાગત જસદણ બેઠક જીતવા ભાજપે બનાવી 18 પદાધિકારીની ટીમ
મળતી માહિતી મુજબ કોંગ્રેસે પાંચ સંભવિત ઉમેદવારોના નામની પસંદગી કરી છે. જેમાંથી કોઈ પણ એકને કોંગ્રેસ કુંવરજી બાવળિયા સામે મેદાનમાં ઉતારી શકે છે. આ સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો પહેલું નામ છે ધીરૂભાઇ શીંગાળા, જે ઉદ્યોગપતિ છે સાથે લેઉવા પાટીદાર છે, પોતાના સમાજમાં તેમની સારી નામના છે. બીજું નામ છે વિનુભાઈ ધડુક -જે પણ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને સમાજના અગ્રણી છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં બળવો, ધાનાણી પર લાગ્યો આ આરોપ
ત્રીજું નામ છે ભોળાભાઈ ગોહિલ, જેઓ જસદણના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોળી સમાજના અગ્રણી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે ભાજપને મત આપ્યો હતો, પરંતુ કુંવરજી ભાજપમાં જોડાતા તેઓ ફરી કોંગ્રેસમાં પરત ફર્યા છે. ચોથું નામ છે ભીખાભાઈ બાંભણિયા. જેઓ જસદણના પૂર્વ ધારાસભ્ય છે. તેમજ રાજકોટ ડેરીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તો પાંચમું નામ છે અવસરભાઈ નાકિયા. જેઓ કોળી સમાજના અગ્રણી છે અને જિલ્લા પંચાયતના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આ પાંચેય ઉમેદવારો માટે કોંગ્રેસ દ્વારા સંગઠનના સ્થાનિક સભ્યોની સેન્સ લેવામાં આવશે. અને ત્યારબાદ તેમાંથી કોઈ એક ઉમેદવારના નામ પર મહોર મારવામાં આવશે.