કેતન જોશી/અમદાવાદ : આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ રહી છે ત્યારે આંખે ઉડીને વળગે તેવી એક મહત્વની બાબતે એ હતી કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા સરદાર પટેલને આપવામાં આવેલું બહુમાન. હજી થોડા દિવસો પહેલા જ વિધાનસભામાં સત્ર દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમાને ભંગારની પ્રતિમા કહી હતી. ત્યારે અચાનક સરદાર પટેલને આપવામાં આવેલું આ મહત્વ સૂચવે છે કે, કોંગ્રેસ પોતાની આ ભૂલ સુધારી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારક ખાતે ગાંધી પરિવાર અને હાજર રહેલા તમામ કોંગ્રેસના નેતાઓ દ્વારા સરદારની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ જ દ્રશ્યો લોકોને અનેક સવાલ કરવા મજબૂર કરતા હતા. જાણકારો એવું પણ કહે છે કે, હવે મોડે મોડેથી પણ કોંગ્રેસને બ્રહ્મજ્ઞાન થયું કે સરદારને સન્માન આપ્યા વગર દેશમાં લોકોનો વિશ્વાસ નહિ જીતી શકાય.


સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે કોંગ્રેસનું વલણ હંમેશાથી ઓરમાયું રહ્યું છે. જ્યારે નેહરુ અને સરદારની વાત આવે છે ત્યારે કોંગ્રેસે હમેશા નેહરુને વધુ મહત્વ આપ્યું છે. હવે તો આખો દેશ એવો સવાલ કરતો થયો છે કે જો જે તે સમયે કોંગ્રેસે સરદારને આગળ કર્યા હોત તો દેશની દશા અને દિશા કંઈક અલગ જ હોત. સામાન્ય માણસ માનવા લાગ્યો છે કે સરદારને કોંગ્રેસે અન્યાય કર્યો છે. બીજી તરફ બીજેપીએ તો આ સરદાર પટેલને પાર્ટીના રોલ મોડેલ માનીને તેમને હંમેશા પોતાની પાર્ટીમાં અને સભામાં કેન્દ્ર સ્થાને રાખ્યા છે. ત્યારે હવે મોડે મોડેથી પણ કોંગ્રેસને બ્રહ્મજ્ઞાન થયું છે કે, સરદારની અવગણના કરવું હવે તેમને નહિ પોષાય. આ જ કારણ છે કે, કદાચ તમામ કોંગ્રેસી નેતાઓએ આજે સરદાર પટેલને સન્માન આપીને એવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે અમે પણ સરદાર પટેલનું સન્માન કરીએ છીએ.


જોકે પ્રજાના મનમાં એ સવાલ જરૂર ઉઠ્યો છે કે સરદાર પટેલ પ્રત્યે કોંગ્રેસનો ઉભરાયેલો આ પ્રેમ માત્ર ચૂંટણી પુરતો જ છે કે આગળ પણ આ પ્રેમ દેખાડશે?