અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ શહેરમાં AMC દ્વારા અપાતા પીવાના અપૂરતા અને દૂષિત પાણી મામલે વિપક્ષ કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતાની આગેવાનીમાં સમર્થકો મ્યુનિસિપલ કમિશનરના બંગલે વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યાં રોજિંદી જરૂરિયાત મુજબનું પાણી મળતું ન હોવાની રજૂઆત કરતા મામલો ગરમાતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં AMC દ્વારા અપાતા પીવાના અપૂરતા અને દૂષિત પાણીના મામલે જે પ્રમાણે શાસકો અને તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે તેનાથી વિપરિત પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં માણસને રોજિંદી જરૂરિયાતું પાણી મળતું નથી અને જ્યાં થોડું ઘણું પાણી આવે છે તે પાણી શરૂઆતની 15 થી 20 મીનિટમાં એટલું દૂષિત, કેમિકલ યુક્ત અને દુર્ગંધવાળું આવે છે કે કોઈપણ માણસ તેનો ઉપયોગ કરી શકતો નથી.


અમદાવાદના ગોમતીપુર, સરખેજ-જુહાપુરા વિસ્તાર, રખિયાલ અને દાણીલીમડા-બહેરામપુરા વિસ્તાર છે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. જ્યાં થોડું ઘણું પાણી આવે છે તે કેમિકલ યૂક્ત અને ડ્રેનેજનું પાણી મિક્ષ હોય છે. જો આ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો નાના બાળકો, મહિલાઓ કે વૃદ્ધો પાણીજન્ય રોગચાળાનો ભોગ બને છે. જે પ્રમાણે અમદાવાદ શહેરમાં કોલેરા, ટાઈફોઇડ જેવા પાણીજન્ય રોગચાળાના આંકડા સામે આવે છે તેનું સૌથી મોટું કારણ છે કે અમદાવાદ શહેરમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.


ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ ભુતકાળમાં વોર્ડથી લઇને મ્યુનિસિપલ કમિશનર લેવલ સુધી રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું ન હતું. જેને લઇને આજે વિપક્ષે લોકોનો અવાજ રજૂ કરવા માટે પોતાની ભૂમિકા ભજવી છે. હાલ લો ગાર્ડન સ્થિત કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાના સરકારી બંગલા બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.


ત્યારે મ્યુનિસિપલ કમિશનરના સરકારી બંગલે વિપક્ષી નેતાની આગેવાનીમાં સમર્થકો આક્રામક મૂડમાં પહોંચ્યા હતા. જ્યાં વિપક્ષી નેતાઓ ડોલ-ટબલર, ટોવેલ સહિત નાહવાની સામગ્રી સાથે આવ્યા હતા. પોતાની દૈનિક ક્રિયા બ્રશ કરવાની અને ન્હાવાનો પ્રતિકાત્મક રૂપે અહીંયા પ્રદર્શન કરી વિરોધ કર્યો હતો. જો કે, કોંગ્રેસના આ અનોખા વિરોધને પગલે આખો મામલો ગરમાયો હતો. ત્યારબાદ આખરે પોલીસ એક્શનમાં આવી અને તમામની અટકાયત કરવામાં આવી છે.


પાણી મામલે વિપક્ષી નેતાના વિરોધ પ્રદર્શન મામલે AMC શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો આજનો વિરોધ ફક્ત રાજકીય તમાશા જેવો હતો. ચૂંટણી નજીક આવતા ફક્ત રાજકીય હોબાળો કરાઈ રહ્યો છે. કોંગ્રેસના કેટલાક કોરપોટર 3 ટર્મથી ચૂંટાઈ આવે છે, પોતાના વિસ્તારમાં ધ્યાન આપ્યું હોત તો આવા વિરોધ કરવાની જરૂરિયાત ન રહે. અમદાવાદમાં સતત વસ્તી બધી રહી છે અને વિકાસ થઈ રહ્યો છે, ક્યાંક નાની મોટી સમસ્યા હશે એ સ્વીકારું છું. પણ આવી રજુઆત મેયર અથવા કમિશનર સાથે બેસીને શાંતિપૂર્વક થવી જોઈએ, પણ ફક્ત મીડિયામાં આવવા ખોટા દેખાડા કરાઈ રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube