આર્કિટેક્ચર અને ટેક્નોલોજીમાં કેમ અજોડ છે ડાયમંડ બૂર્સ? મોદીએ કહ્યું; `આ સાધારણ હીરો નથી, વિશ્વનો શ્રેષ્ઠ છે`
દેશ અને દુનિયામાં હવે જ્યારે સુરતનો ઉલ્લેખ થશે, ત્યારે તેમાં ડાયમંડ બૂર્સનો ઉલ્લેખ અચૂક થશે. અત્યાર સુધી અમેરિકાના સંરક્ષણ વિભાગનું હેડક્વાર્ટર પેન્ટાગોન દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પલેક્ષ હતું, પણ હવે તે બીજા ક્રમે છે અને સુરતનું ડાયમંડ બૂર્સ પહેલા ક્રમે છે.
ઝી બ્યુરો/સુરત: છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી, તે સુરતના ડાયમંડ બૂર્સનું ઉદ્ધાટન થઈ ગયું. પ્રધાનમંત્રીએ બુર્સની સાથે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ધાટન કર્યું છે. આ સાથે જ સુરતને વિકાસના આકાશમાં ઉડવા માટે નવી પાંખો મળી છે. હવે સુરત ડાયમંડ અને ટેક્સટાઈલ જગતમાં નવી હરણફાળ ભરશે.
સુરતને હવે ડાયમંડ હબ બનતા કોઈ નહીં રોકી શકે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેનું ઉદ્ધાટન કરતાં જ બુર્સમાં ડાયમંડના વેપારીઓની ઓફિસો ધમધમવા લાગશે. પહેલાથી જ દુનિયાના ડાયમંડ ઉદ્યોગમાં મહત્વનું ધરાવતા સુરતને હવે ડાયમંડ હબ બનતા કોઈ નહીં રોકી શકે. પ્રધાનમંત્રીએ ડાયમંડ બૂર્સની સાથે સુરત એરપોર્ટના નવા ટર્મિનિલનું પણ ઉદ્ધાટન કર્યું હતું. એરપોર્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ રોડ શો યોજીને ડાયમંડ બૂર્સ સુધી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ રસ્તામાં પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું.
નિષ્ણાતો અને વિદ્યાર્થીઓને બૂર્સની મુલાકાત લેવા વિનંતી
કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરતના સાંસદ અને કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા...સુરતના અગ્રણી હીરા ઉદ્યોગકારોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીને ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવી. આ અવસરે પ્રધાનમંત્રીએ ડાયમંડ બૂર્સની ખાસિયતોના ભરપૂર વખાણ કર્યા. તેમણે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓને બૂર્સની મુલાકાત લેવાની વિનંતી કરી..
આ તમામ સુવિધાઓ સુરતને ડાયમંડના ક્ષેત્રમાં નવી ઉંચાઈ પર લઈ જશે
35 એકર જમીનમાં ફેલાયેલું ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ ઈમારત અને પોતાનામાં એક સ્માર્ટ સિટી છે. જ્યાં ટેક્નોલોજી અને આર્કિટેક્ચરનો અદભૂત સમન્વય કરાયો છે. બુર્સનો દરેક ટાવર વચ્ચેથી એકબીજા સાથે જોડાયેલો છે. કાચનું એલિવેશન ધરાવતા બે ટાવર વચ્ચે 6 હજાર ચોરસ મીટરનો બગીચો છે. 3400 કરોડનો ખર્ચે તૈયાર કરાયેલા બૂર્સમાં 4500થી વધુ ઓફિસો આવેલી છે. 67 લાખ ચોરસફૂટના બાંધકામમાં 300 ચોરસ ફૂટથી લઈને એક લાખ ચોરસ ફૂટ સુધીના એરિયાની ઓફિસો છે. જેની કુલ ક્ષમતા 67 હજાર વેપારીઓ, કારીગરો અને મુલાકાતીઓને સમાવવાની છે. ટાવરોમાં 11.25 લાખ ચોરસ ફૂટ એલિવેશન ગ્લાસનો ઉપયોગ કરાયો છે. ઈમારતોના ગ્રાઉન્ડ ફલોર પર બેંક, રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબ સહિતની સુવિધાઓ છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની પણ અહીં સુવિધા છે. આ તમામ સુવિધાઓ સુરતને ડાયમંડના ક્ષેત્રમાં નવી ઉંચાઈ પર લઈ જશે. જે અત્યાર સુધી નથી થઈ શક્યું, તે હવે થઈ શકશે.
સુરતની કનેક્ટિવિટી અને વેપારમાં વધારો થશે
વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ ડાયમંડ બુર્સ હીરાનું ખરીદ વેચાણ કરનારાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થશે. જેને જોતાં દુનિયાભરમાંથી સુરત આવતાં વેપારીઓની સંખ્યામાં ઉછાળો આવશે. અહીં દોઢ લાખ લોકોને રોજગારી મળશે. પ્રધાનમંત્રીએ સુરતને વધુ એક ભેટ પણ આપી છે. આ ભેટ છે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન તેમજ સુરત એરપોર્ટને મળેલો આંતરરાષ્ટ્રી એરપોર્ટનો દરજ્જો. જેનાથી સુરતની કનેક્ટિવિટી અને વેપારમાં વધારો થશે.
સુરતીઓ એક ગ્લોબલ સિટીના નિવાસી બન્યા
સુરત એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનતા હવે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યા વધીને ત્રણ થઈ છે. સુરતથી દુબઈની ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે, ટૂંક સમયમાં હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ થશે. આ બંને શહેર ગ્લોબલ ડાયમંડ હબ છે. હવે સુરત પણ આ દિશામાં આગળ વધશે. જેને જોતાં સુરતનું દેશના અર્થતંત્રમાં પણ યોગદાન વધશે. પ્રધાનમંત્રી સુરતમાં હતા ત્યારે તેમણે સુરતીઓની આગવી આદતો અને લાઈફસ્ટાઈલનું પણ વર્ણન કર્યું. સુરતને ફક્ત દેશમાં જ નહીં, પણ દુનિયામાં નવી ઓળખ મળી છે. ત્યારે સુરતીઓ એક ગ્લોબલ સિટીના નિવાસી બન્યા છે. આગામી એક દાયકો હવે સુરતનો છે.