રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હિંસક પ્રાણીઓના હુમલા પર મળશે વધુ વળતર
- જંગલ અને અભયારણ્યની નજીકના વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વની જાહેરાત
- વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુ માટે અપાતા વળતરનો નવા દર નક્કી કરાયો
- માનવ મૃત્યુના કિસ્સાની સહાયમાં રૂપિયા 1 લાખનો વધારો કરાયો
ઝી મીડિયા/બ્યૂરો :રાજયમાં આવેલ વન તથા અભયારણ્ય (forest department) અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજય સરકારે (gujarat government) નોધપાત્ર સુધારો કરી નવા દરો નિયત કર્યા છે.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ/ઈજા તથા પશુ મૃત્યુના પ્રસંગોએ રાજય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના નવા દર મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ પહેલાં રૂપિયા 4,00,000 ની સહાય અપાતી હતી તે હવે રૂ. 5,00,000 ની સહાય ચૂકવાશે. એ જ રીતે માનવ ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા અપંગતા હોય તેવા કિસ્સામાં રૂપિયા 59,100 ને બદલે હવે રૂ. 1,00,000 ની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂપિયા 2,૦૦,૦૦૦ અને 3 દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલા સહાય આપવામાં આવતી નહોતી તેના બદલે હવે રૂપિયા 10,000 ની સહાય ચૂકવાશે.
આ પણ વાંચો : ક્યાંથી આવ્યો હતો વાઈબ્રન્ટ સમિટ રદ કરવાનો આદેશ? પડદા પાછળની માહિતી આવી સામે
આ ઉપરાંત દૂધાળા પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે. જે અંતર્ગત ગાય/ભેંસ માટે રૂપિયા 30,000 ને બદલે હવે રૂ. 50,000, ઊંટ માટે રૂપિયા 30,000 ના બદલે રૂ.40,000 ઘેટાં/બકરા માટે રૂપિયા 3000 ના બદલે રૂપિયા 5000 ની સહાય તથા બિન દૂધાળા પશુઓમાં ઊંટ ઘોડા/બળદ માટે રૂપિયા 25,000 તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી/ ગધેડો/પોની વગેરે માટે રૂપિયા 16,000 ના બદલે રૂપિયા 20,000ની સહાય ચૂકવાશે.
આ નવા દરોનો અમલ 5 મી જાન્યુઆરીથી કરાશે અને આ ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચુકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચુકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨માં દર્શાવેલ વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ / ઇજા તથા પશુ મૃત્યુ થયેલ હોય તેવા કિસ્સામાં આ વળતર ચુકવવાનું રહેશે.