દારૂબંધી પર સરકારની સ્ટ્રાઈક! બધી ચેકપોસ્ટ પર મુકાશે સ્કેનિંગ મશીન, ગુજરાતમાં નહીં આવી શકે એક ટીપું દારૂ
ગુજરાતમાં દારૂબંધી માટે શું કરી રહી છે સરકાર? દારૂના દૂષણને ડામવા માટે રાજ્યનો ગૃહવિભાગ અને પોલીસતંત્ર શું કોઈ કામગીરી કરે છે ખરાં? જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું...
શંખનાદ 2022/ZEE24કલાક: શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે? કે પછી સરકાર દારૂબંધીનો માત્ર દંભ કરી રહી છે? દારૂબંધી રોકવા માટે શું ખરેખર ગુજરાતનો ગૃહવિભાગ અને પોલીસતંત્ર આ મુદ્દે કોઈ નક્કર કામગીરી કરી રહ્યો છે? શું ગુજરાતમાં દારૂના દૂષણને રોકવા અને નશાબંધીના કાયદાના કડક અમલીકરણનો કોઈ પ્લાન સરકાર પાસે છે ખરાં? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મિશન 2022 માટે ભાજપની કેવી તૈયારીઓ છે? આવા તમામ સવાલો પર અમારા એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂમાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું જવાબ આપ્યાં એ જાણીએ...
ઉલ્લેખનીય છેકે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. જોકે, આની અમલવારી કેટલી થાય છે તે સૌ કોઈ જાણે છે. હાલમાં જ થયેલો કેમિકલકાંડ અને તેમાં થયેલાં મોત એનો દેખિતો પુરાવો છે. આ ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાન અને આ ઉપરાંત હરિયાણા અને પંજાબ સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે. અને આ રેકેટમાં પોલીસની મીલીભગત પણ અનેકવાર સામે આવી ચૂકી છે. અનેકવાર વિપક્ષ દ્વારા પણ ગુજરાતમાં દારૂબંધી અંગે સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યાં છે. તો ઘણીવાર દારૂબંધીના નામે હપ્તા ઉઘરાવતી પોલીસના વીડિયો પર પ્રકાશમાં આવી ચૂક્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં 100 ટકા દારૂબંધી કઈ રીતે શક્ય છે એ એક મોટો સવાલ છે.
ત્યારે આ મુદ્દે પૂછવામાં આવેલાં વિવિધ સવાલોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઝી24કલાકના શંકનાદ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે સરકારના સૌથી મોટા એક્શન પ્લાન વિશે પણ જાહેરાત કરી...ગુજરાતમાં દારૂબંધી અંગે વાત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ટૂંક સમયમાં સરકાર આ અંગે જડબેસલાખ આયોજન અમલી કરવા જઈ રહી છે. ટૂંક જ સમયમાં નવી ટેકનોલોજીને દારૂની બદીને રોકવા માટે લાગૂ કરવામાં આવશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, નજીકના સમયમાં જ ગુજરાતની તમામ બોર્ડરો તમામ ચેકપોસ્ટ પર દારૂબંધી માટે ખાસ પ્રકારના સ્કેનિંગ મશીનો મુકવામાં આવશે. જેને કારણે દારૂની બોટલ તો શું પણ દારૂનું એક ટીપું પણ ગુજરાતમાં પ્રવેશી શકશે નહીં. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર પર વધારે સર્તકતા રાખવામાં આવશે. રાજ્યની તમામ ચેકપોસ્ટ પર આ સ્કેનિંગ મશીન મુકવામાં આવશે. આ સ્કેનિંગ મશીનથી તુરંત કોઈપણ વાહનમાં છુપાવીને લાવવામાં આવતો દારૂ પકડાઈ જશે. અને દારૂની હેરાફેરા કરનારા શખ્સો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ મુદ્દે જો કોઈ પોલીસની મિલીભગત હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.