Gujarat Rains: ગુજરાતમાં શિયાળાની હજુ શરૂઆત થઈ છે, ત્યાં માવઠાને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદ સમગ્ર રાજ્યને ઘેરી વળ્યો છે. સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરાવર્ષાને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેતીને ઘણું નુકસાન થયું છે. રવિ પાક સંકટ તોળાઈ રહ્યું છે. કેવી છે માવઠાં વચ્ચે ગુજરાતની સ્થિતિ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. વહેલી સવારથી જ લોકોએ ઠંડીની સાથે વરસાદનો અનુભવ કર્યો. વાદળછાયા હવામાન વચ્ચે એક બાદ એક ભાગમાં વરસાદ શરૂ થતો ગયો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. રવિવારનો દિવસ હોવાથી લોકોને રાહત જરૂર મળી, પણ બહાર નીકળવાનું આયોજન કરીને બેઠેલાં લોકોનું પ્લાનિંગ બગડી ગયું. માવઠાની સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં દેખાઈ. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા નજરે પડ્યા. સૌરાષ્ટ્રમાં માવઠાંની અસર સાર્વત્રિક રહી. પવનોનાં ભારે જોર વચ્ચે બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. 


અમરેલીમાં ચોમાસાની જેમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈને વહેણા વહેવા લાગ્યા. લીલીયા પંથકમાં ભારે પવન વચ્ચે વરસાદ થયો. ગીરસોમનાથમાં જ્યાં ત્યાંથી પાણીના વહેણાં ફૂટી નીકળ્યા. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કરા વર્ષાએ માઝા મૂકી...જસદણ અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં છૂટીછવઆઈ કરા વર્ષા થઈ. ત્યાં રાજકોટ અમદાવાદ હાઈવે પરના માલિયાસણમાં તો કરા વર્ષાને કારણે કાશ્મીર અને હિમાચલની બરફવર્ષા જેવો માહોલ સર્જાયો. રસ્તા અને ઓવરબ્રિજ પર કરાના થર પથરાઈ ગયા. લોકોએ કરાવર્ષાને ભરપૂર માણી. બાળકોને પણ મજા પડી ગઈ. થોડી વાર માટે વાહનચાલકો ભૂલી ગયા કે તેઓ રાજકોટમાં છે. કેટલાક લોકો તો કરાને બેગમાં ભરીને પોતાની સાથે પણ લઈ ગયા


બનાસકાંઠામાં પણ કરા વર્ષા થઈ. વાવ, ડીસા અને ભાભર પંથકમાં કરા સાથે વરસાદ થયો. વરસતા કરા વચ્ચે બહાર નીકળવું લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.  ત્યાં એરંડા અને જીરુંના પાક માટે પણ કરાવર્ષા જોખમી છે. માવઠાંની આગાહી વચ્ચે APMCમાં જણસો ખુલ્લામાં ન મૂકવાની સૂચનાનો પણ ઘણી જગ્યાએ અમલ ન થયો, ગીર સોમનાથમાં APMCમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ. હવે આ જણસી કોઈ કામની નથી રહી. ભારે પવન સાથે વરસાદ વચ્ચે જૂનાગઢના ગિરનારમાં રોપ-વે સેવા બંધ કરી દેવાઈ. જેના કારણે શ્રદ્ધાળુઓ તેમજ પોલીસ કર્મીઓને હાલાકી પડી.


દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું જામ્યું છે. સુરત અને ભરૂચમાં ઝાપટાં પડતાં રસ્તા પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો. ડાંગમાં વરસાદે ચોમાસાની યાદ અપાવી દીધી. સુરતના ઓલપાડમાં વરસાદ વચ્ચે લગ્નનો મંડપ જમીનદોસ્ત થઈ ગયો. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા. ડીજે સહિતનો સામાન પણ વરસાદમાં પલળી ગયો. માવઠું લગ્નના આયોજનને વહાવી ગયું. ઉત્તર ગુજરાત પણ વરસાદ વચ્ચે ઘમરોળાઈ ગયું. મહેસાણા અને બનાસકાંઠામાં તોફાની વરસાદ થયો. કડીમાં તો કારના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા. માવઠાંનું રૂપાંતર જાણે ચોમાસામાં થઈ ગયું.


અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયા હવામાન વચ્ચે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થઈ ગયો. બે કલાક સુધી વરસાદે મન મૂકીને બેટિંગ કરી. લોકોએ ફરી રેઈનકોટ અને છત્રી કાઢવાનો વારો આવ્યો. જો કે બપોરે તડકો નીકળતા થોડી રાહત જરૂર થઈ.