ઝી બ્યૂરો અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ વરસી શકે છે. એક તરફ ખેડૂતોએ શિયાળુ પાક લીધો છે. સારા એવા પ્રમાણમાં ખેતરોમાં શાકભાજીની આવક થઈ રહી છે. આ સ્થિતિની વચ્ચે ઉભા પાક પર અચાનક વરસાદ વરશે તો શું સ્થિતિ સર્જાય એ ચિંતાની બાબત છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે શિયાળાની મૌસમમાં કમોસમી વરસાદની આગાહી કરવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને આગાહીએ ખેડૂતોને ચિંતાતૂર બનાવ્યાં છે. ખાસ કરીને જે ખેડૂતોએ શિયાળુ પાક લીધાં છે તેઓ હાલ એ ચિંતામાં છેકે, જો વરસાદ વરસશે તો ખેતરમાં ઉભા મોલનું શું થશે. અને જેમણે વાવણી કરી છે તે પણ બરબાદ થઈ શકે છે. ગુજરાતમાં હાલ શિયાળો ધીરે ધીરે કાતિલ ઠંડી તરફ આગળ વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોને શિયાળુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.


હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આગામી 12 અને 13મી ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી સહિત કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે 14મી ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ, ભાવનગર અને સૌરાષ્ટ્ર જિલ્લામાં કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


ઉત્તર ભારતમાં શીત લહેરના પગલે ગુજરાતમાં પણ ઠંડી વધવા લાગી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડાના કારણે ઠંડી વધી ગઈ છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો, આજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. જ્યારે 8.8 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર થઈ ગયું છે. અમદાવાદની નજીક ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડીને 10.3 ડિગ્રી પર આવી ગયો છે. આવી જ રીતે રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન ધીમે-ધીમે ગગડી રહ્યું છે.