Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી સપ્તાહ એટલેકે, આગામી સાત દિવસ અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સાથે જ રાજ્યના તાપમાનમાં પણ આગામી 5 દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. હાલ રાજ્યમાં નોંધાતું તાપમાન સામાન્ય કરતા વધારે છે. ઉત્તર પૂર્વીય પવનો ફુંકાતા તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો થઈ રહ્યો છે અનુભવ..આ સાથે જ હજુ પણ આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવ થશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છેકે, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ડબલ સિઝનનો અનુભવ થશે. ખાસ કરીને સવાર અને મોડી સાંજ પછી ઠંડી જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થશે. એના કારણ એવું પણ છેકે, હજુ સુધી વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઈ નથી. જેથી આપણને ડબલ સિઝનનો અનુભવ થાય છે. ડબલ સિઝનના કારણે જ ઘણાં લોકોને કફ, ખાસી-ઉધરસની તકલીફ પણ જોવા મળી છે.


હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે, ત્યારબાદ ધીમેધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


અંબાલાલ પટેલે કહ્યુંકે, આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.