આ બન્નેનો સંયોગ થતા જ અમદાવાદની હવા પ્રદૂષિત! દિલ્લીની માફક અમદાવાદમાં પણ રાજકારણ શરૂ
દિલ્લીની જેમ અમદાવાદના પણ હાલ ન થાય તેને લઇને એએમસીએ આગોતરી કામગીરી શરૂ કરી છે. તો આ વિષયે લઇને દિલ્લીની માફક અમદાવાદમાં પણ રાજકારણ શરૂ થયુ છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: દિવાળીનો તહેવાર અને સાથે શિયાળાની મોસમ....આ બન્નેનો સંયોગ થતા જ હાલમાં અમદાવાદની હવા પ્રદૂષિત બની ગઇ છે. ત્યારે દિલ્લીની જેમ અમદાવાદના પણ હાલ ન થાય તેને લઇને એએમસીએ આગોતરી કામગીરી શરૂ કરી છે. તો આ વિષયે લઇને દિલ્લીની માફક અમદાવાદમાં પણ રાજકારણ શરૂ થયુ છે.
લોકો શ્વાસને લખતી બીમારીઓના શિકાર
શહેરમાં હવામાં ઠંડક વધતાંની સાથે જ હવામાં પ્રદૂષણની માત્રાનો ઇન્ડેક્સ 254 થયો જે હવા ખરાબ હોવાનું દર્શાવે છે. વહેલી સવારથી શહેરની હવા ખુબજ ખરાબ જોવા મળી છે. આંકડા મુજબ, શહેરના બોપલ 273, પીરાણા 312, ચાંદખેડા 199 અને નવરંગપુરા 193 હવા પ્રદૂષણ જોવા મળ્યું છે. પ્રદૂષિત હવાના કારણે શહેરમાં કેટલાક લોકો શ્વાસને લખતી બીમારીઓના શિકાર બન્યા છે.
નાના બાળકોમાં પણ અસ્થમાની બીમારી
અમદાવાદમાં ધૂળના રજકણો, વાહનોના ધુમાડા, કન્સ્ટ્રક્શન સાઈટ, ઔદ્યોગિક પ્રદૂષણ સહિતના કારણોથી હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. એસજી હાઈવે પર પ્રદૂષણના કારણે સાંજ પહેલાં જ ધુમ્મસની હળવી ચાદર છવાઈ જવાના નજારા જોવા મળ્યા છે. ઠંડીમાં હવાના ઉપરના લેવલનું દબાણ હોવાથી પ્રદૂષણ નીચેની હવામાં સ્થિર થતું હોય છે. પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં અસ્થમાથી પીડાતા લોકોની સંખ્યામાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દર્દીઓમાં મોટાભાગના લોકોની ઉંમર 20થી 25 વર્ષની છે. નાના બાળકોમાં પણ અસ્થમાની બીમારી જોવા મળી છે.
એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 5 વર્ષમાં 200થી વધારે
અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 5 વર્ષમાં 200થી વધારે થયું છે. ત્યારે 10 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા બાળકોમાં અસ્થમાની બીમારી વધુ જોવા મળી છે. અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન વધવા માટે માત્ર મ્યુનિ. તંત્ર (AMC)જવાબદાર હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના માનવા મુજબ 36 % રોડ ડસ્ટ 34 % ઘરેલુ વિવિધ ઉપયોગને કારણે STP પ્લાન્ટ તથા ઇન્ડ્રસ્ટીઓ દ્વારા અને 16 % બાંધકામ પ્રવૃતિઓને કારણે એર પોલ્યુશન વધવા પામે છે.
વિપક્ષી નેતાએ કર્યો આક્ષેપ
છેલ્લા ચાર વર્ષમાં એર પોલ્યુશન ઘટાડવા બાબતે ખર્ચેલ રૂ।. 279.52 કરોડની માતબર રકમ વેડફી અમદાવાદની પ્રજાને પ્રદુષિત હવા લેવા માટે સત્તાધારી ભાજપ મજબૂર કરતો હોવાનો પણ વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે.