રાજેન્દ્ર ઠક્કર, ભુજઃ રાજ્યમાં ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ...કચ્છ તેની સંસ્કૃતિ અને રણને કારણે સમગ્ર દેશ જ નહીં દુનિયામાં જાણીતું છે. હાલ ઉનાળાએ તેનો આકરો તાપ વરસાવાનું શરૂ કરી દીધું છે. આકરા તાપમાં પાણી વગર જીવન શક્ય નથી. પરંતુ કચ્છના વડુમથક ભુજમાં પાણીનો એવો પોકાર છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભુજવાસીઓ પાણી માટે ફાંફાં મારી રહ્યા છે તો કેટલાક નફાખોરોએ આફતમાં પણ કમાવવાનું માધ્યમ શોધી લીધું છે. જુઓ પાણીના પોકાર પર અમારો આ ખાસ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકસિત ગુજરાતમાં શરમજનક આ દ્રશ્યો જોવા મળે છે. વર્ષો પહેલા જે દ્રષ્યો જોવા મળતા હતા તે હાલ જોવા મળી રહ્યા છે. ટેન્કર રાજ ગુજરાતમાં હાલ ક્યાંય જોવા નથી મળતું પરંતુ તમે કચ્છમાં જોઈ શકો છો. કચ્છના ભુજમાં હાલ પીવાના પાણી માટે લોકો ફાંફા મારી રહ્યા છે. નર્મદા લાઈનમાં પડેલા ભંગાણને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.


આ પણ વાંચોઃ 44 વર્ષમાં ગુજરાતમાં ભાજપ કેવી રીતે બની ગયું 'અજેય', કોંગ્રેસ ખાતું નથી ખોલી શકતી


છેલ્લા 5 દિવસથી નર્મદા લાઈનમાં ભંગાણને કારણે પાણી વિતરણ ઠપ થઈ ગયું છે. પાણી વગર લોકો ત્રાહિમામ છે ત્યાં ટેન્કર માલિકોએ આફતમાં કમાવવાનો ધંધો શરૂ કરી દીધો છે. હાલ એક ટેન્કર 1200થી 1500 રૂપિયામાં મળી રહ્યું છે. લાચાર શહેરીજનો આટલા ઉચ્ચા પૈસા આપીને ટેન્કરથી પાણી લેવા માટે મજબૂર છે. નર્મદા લાઈનમાં જે ભંગાણ પડ્યું તે સાંધવું ખુબ જ મુશ્કેલ બન્યું છે. ત્યારે કંટાળેલા શહેરના લોકોએ વિપક્ષના કોર્પોરેટરને સાથે રાખી રાવલવાડી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો...તો લોકોના વિરોધના પગલે જ્યાંથી પાણી વિતરણ થાય છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


તો પાણીની અછત મામલે અધિકારઓ જલદી સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવો દાવો કરી રહ્યા છે. અમે ભૂજના પ્રાંત અધિકારી સાથે વાતચીત કરી આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો હતો. ટેન્કર સંચાલકો હાલ મનફાવે તેમ લોકોને લૂંટી રહ્યા છે ત્યારે આ મામલે કેશુભાઈ પટેલે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પાણી વગર પરેશાન ભુજવાસીઓને ક્યારે પાણીની પારાયણમાંથી મુક્તિ મળે છે તે જોવાનું રહેશે.