પ્રજાસત્તાક પરેડની ઘટના, સ્ટંટ દરમિયાન મહિલા પોલીસનું બાઈક સીધુ પ્રેક્ષક ગેલેરીમાં ગયું
પ્રજાસત્તાક દિવસની રાજ્યસ્તરની ઉજવણી પાલનપુર ખાતે યોજાઈ હતી. ત્યારે આ પરેડમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા વિવિધ સ્ટંત અને કરતબ બતાવવામાં આવ્યા હતા.
કિંજલ મિશ્રા/પાલનપુર : પ્રજાસત્તાક દિવસની રાજ્યસ્તરની ઉજવણી પાલનપુર ખાતે યોજાઈ હતી. ત્યારે આ પરેડમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા વિવિધ સ્ટંત અને કરતબ બતાવવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા પોલીસ કર્મચારી બાઈક સ્ટંટ દરમિયાન ઘાયલ થઈ હતી. મહિલા કર્મચારીનું બાઈક પ્રેક્ષક ગેલેરીમાં જતુ રહેતા ત્યાં ઉભા રહેલા 5 બાળકો પણ ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરના રામપુરા ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા પહેલા બાઈક સ્ટંટ તથા ધોડેસવારોની ટીમોએ વિવિધ કરતબ બતાવ્યા હતા. પ્રેક્ષકો પણ પોલીસ ટીમના બાઈક સ્ટંટ નિહાળીને અવાચક રહી ગયા હતા. ત્યાં બાઇકના વિવિધ સ્ટંટના નિર્દેશન દરમ્યાન એક મહિલા પોલીસ કર્મી બાઇક પરથી જમીન પર પટકાઈ હતી. આ મહિલા પોલીસ બાઈક પર તલવાર સાથે સ્ટંટ કરી રહી હતી. તો બીજી તરફ, મહિલાનો પગ સ્લીપ થઈ જતા બાઈક સીધું જ પ્રેક્ષક ગેલેરી સુધી ગયુ હતું, અને ત્યાં ઉભા રહેલા બાળકો સાથે અથડાયુ હતું. જેમાં ત્યાં ઉભેલા પાંચ બાળકો પણ ઘાયલ થયા હતા. મહિલા પોલીસ તથા બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અપાઈ હતી.
તો બીજી તરફ, પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ પૂરો થતા જ Cm વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પોલીસ કર્મચારી અને બાળકોની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.