સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવા પર, આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા ભારતના વડાપ્રધાન અને તત્કાલિન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થશે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે આ સપનું જોયું હતું. હવે આગામી 31 ઓક્ટોબરે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે.
નર્મદાઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવાના આરે છે. ચાર વર્ષ પહેલા શરૂ કરાયેલું સ્ટેચ્યું ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવામાં છે. સરદાર પટેલની પ્રતિમાનું મુખારવિંદ લગાવી દેવાતા હવે લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આખરી ફિનિશિંગ ટચ આપવાનું કામ બાકી છે. આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી મોટી પ્રતિમા હશે. તેની ઉંચાઈ 182 મીટર છે. અત્યારે વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલ છે, જે ચીનમાં આવેલું છે. તેની ઉંચાઈ 153 મીટર છે. ત્યારબાદ જાપાનની ઉશિકુ દાઇબુત્સુ 120 મીટરની સાથે વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમા છે. અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 મીટર સાથે વિશ્વની ત્રીજી સૌથી ઉંચી પ્રતિમા છે. ત્યારબાદ ધ મધરલેન્ડ કોલ્સ રશિયામાં આવેલી છે. તેની ઉંચાઈ 85 મીટર છે. 36.6 મીટરની ઉંચાઈની સાથે બ્રાઝિલનું ક્રાઇસ્ટ ધ રીડીયર વિશ્વની પાંચમી સૌથી ઉંચી પ્રતિમાં છે.
નિર્માણ સામગ્રી
કોંક્રિટ - 75,000 ક્યુબિક મીટર
સ્ટીલનું માળખું - 5,700 મેટ્રિક ટન
રિઈન્ફોર્સ્ડ સ્ટીલના સળિયા - 18,500 ટન
તાંબાનું પતરું - 22,500 ટન
નિર્માણ સ્થળની ખાસિયતો
- સરદાર પટેલની મૂર્તિ બહારથી દેખાવમાં તાંબાના પતરાની બનેલી દેખાશે
- મુસાફરોને બહાર નિકળવાનો સમય ઘટાડવા માટે ફાસ્ટ એલેવેટર્સ લગાવાશે
- વિશાળ મ્યુઝિયમ/ પ્રદર્શન હોલ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને દેશ માટે આપેલા યોગદાનની પ્રદર્શની હશે
- સરદાર પટેલની યાદમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવશે
ઓબ્ઝર્વેશન ડેસ્કમાંથી દેખાશે અદભૂત નજારો
નદીથી 500 ફૂટની ઊંચાઈએ એક ઓબ્ઝર્વેશન ડેસ્ક બનાવાશે, જેમાં એકસાથે 200 લોકો સમાઈ શકશે. અહીંથી લોકોને સતપુડા અને વિંદ્યાચલની પર્વતમાળાનો સુંદર નજારો દેખાશે, 212 કિમી લાંબો સરદાર સરોવર ડેમનો સંગ્રહક્ષેત્ર જોવા મળશે અને 12 કિમી લાંબો ગરૂડેશ્વર સંગ્રહસ્થળ પણ અહીંથી દેખાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસન સ્થળ પણ બનશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ કરવામાં આવનારો છે. વિશ્વની સૌથી મોટી મૂર્તિ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓની સગવડનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમના માટે એક વિશાળ પબ્લિક પ્લાઝા જેમાં બેસીને તમને નર્મદા નદી અને મૂર્તિ બંને જોવા મળશે. અહીં ફૂડ સ્ટોલ, ગિફ્ટ શોપ્સ, છૂટક દૂકાનો અને અન્ય મનોરંજનની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
પ્રતિમા બનાવાનો કોન્ટ્રાક્ટ રૂ.2,989 કરોડમાં અપાયો
વિશ્વની સૌથી વિશાળ મૂર્તિની ડિઝાઈન, નિર્માણ અને જાણવણીનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટૂર્બોએ લીધો છે. વર્ષ 2014માં કંપનીએ રૂ.2,989 કરોડમાં આ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. તેના નિર્માણનો ખર્ચ પીપીપી ધોરણે ઉઠાવવામાં આવી રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ નાણાની ફાળવણી કરવામાં આવી છે. બુર્જ ખલીફાની પ્રોજેક્ટ મેનેજર 'ટર્નર કન્સ્ટ્રક્શન' કંપની, મિશેલ ગ્રેવેઝ એન્ડ એસોસિએટ્સ અને મીનહાર્ડ્ટ ગ્રુપ સમગ્ર પ્રોજેક્ટનું સુપરવિઝન કરી રહ્યા છે.