વડોદરામાં રાજ્યના સૌથી લાંબા ઓવરબ્રિજનું કામ વર્ષો બાદ પણ અધૂરું, જાણો કોણો થયો વિકાસ કોન્ટ્રાકટર કે પાલિકાનો?
મહત્વની વાત છે કે 5 વર્ષ બાદ પણ બ્રિજ ન બનતાં લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, સાથે શું આ છે પાલિકાનો વિકાસ તે સવાલ પણ ઉઠાવી રહ્યા છે.
રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યનો સૌથી લાંબો ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલાં કરી હતી. આજે 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી. જેના કારણે વિકાસના કામો પણ સવાલ ઉઠી રહ્યા છે. 2017માં તત્કાલિન DyCM નીતિન પટેલે બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધીનો બ્રિજની કામગીરી 5 વર્ષથી ચાલુ હતી. 3.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજ 3 વર્ષમાં બનાવવાનો હતો. પરંતુ તે હજુ સુધી બન્યો નથી. 230 કરોડમાં બનનાર બ્રિજ માટે રાજ્ય સરકારે 76 કરોડ ચૂકવ્યા હતા. સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 34 કરોડ ચૂકવાયા હતા. વિરોધ પક્ષે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી નાણાં ન ફાળવવા માંગ કરી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો રાજ્યનો સૌથી લાંબો ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ષ 2017માં કરી હતી, રાજ્ય સરકાર 230 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની હતી. જેના માટે વડોદરા પાલિકાને સરકાર નાણાં ચૂકવવાની હતી, પણ આજે 5 વર્ષ બાદ પણ સરકારે કોર્પોરેશનને માત્ર 76 કરોડ ચૂકવ્યા છે, બાકીના નાણાંનું ભારણ સરકારે કોર્પોરેશન પર નાખી દીધું છે.
બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોનને અત્યાર સુધી પાલિકાએ 120 કરોડ ચૂકવી દીધા છે, જેમાંથી 76 કરોડ સરકારે અને બાકીના 34 કરોડ પાલિકાએ સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી નાણાં ચૂકવ્યા છે, પણ હવે બાકીના 110 કરોડ સરકાર ચૂકવી રહી નથી, જેના કારણે બ્રીજની કામગીરી કોન્ટ્રાકટરએ અધૂરી મૂકી દીધી છે. કોન્ટ્રાકટર મંથર ગતિએ કામ કરી રહ્યો છે, બ્રિજ ત્રણ વર્ષમાં બનીને તૈયાર થવાનો હતો પણ 5 વર્ષ બાદ પણ કામ પૂરું થયું નથી.
સરકાર બ્રિજ માટે બાકી નાણાં ન ચૂકવતાં કોર્પોરેશને હવે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 60 કરોડ બ્રિજ માટે વાપરવાનુ નક્કી કર્યું છે, સાથે જ સરકાર પાસેથી બાકીના 110 કરોડની માંગણી પણ કરી છે. બ્રિજના નાણાં સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી વપરાતા કોંગ્રેસે સત્તાધીશો અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે કે રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજના કામ માટે સ્વર્ણિમ ગ્રાન્ટ વાપરવાની હોય છે, પણ પાલિકા 100માંથી 60 કરોડ બ્રિજ પાછળ જ વાપરશે તો શહેરના અન્ય કામો કેવી રીતે કરશે..
મહત્વની વાત છે કે 5 વર્ષ બાદ પણ બ્રિજ ન બનતાં લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, સાથે શું આ છે પાલિકાનો વિકાસ તે સવાલ પણ ઉઠાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube