ચેતન પટેલ/સુરત :સુરતના એક સફાઈ કામદારે ઈમાનદારીનુ એવુ ઉદાહરણ આપ્યુ કે ચારે તરફ તેની વાહવાહી થઈ ગઈ. સુરતમાં કતારગામના નંદુડોશીની વાડીમાં આવેલ પંચદેવ નામના કારખાનાના પાર્કિંગમાંથી એક સફાઈ કામદારને હીરા ભરેલા બે પેકેટ મળ્યા હતા. સફાઈ કામદારે ઈમાનદારી દાખવી પોતાના શેઠને હીરા પરત કર્યા હતા. જેના બાદ તેમણએ ડાયમંડ એસોસિયેશનનો સંપર્ક કરી મૂળ માલિકને હીરા પરત કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા નગરી સુરતમાં આંગડિયા મારફતે દરરોજના કરોડો રૂપિયાના હીરાના પડીકાની આપ-લે કરતા હોય છે. તેવામાં કતારગામના નંદુડોશીની વાડી ખાતે આવેલા પંચદેવ હીરાના કારખાનામાં વિનોદ સોલંકી નામના સફાઈ કામદાર સફાઈ કરી રહ્યો હતો. તે દરમ્યાન તેમને બે હીરાના પેકેટ મળ્યા હતા. આ પેકેટમાં શુ છે તે જોયા વગર તેમણે પોતાના શેઠને તે સોંપી દીધા હતા. શેઠ દ્વારા આ પેકેટ કોના છે તે ચેક કરવા તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિયેશનનો સંપર્ક કર્યો હતો.



ડાયમંડ એસોસિયેશનને તપાસ કરતા અને સીસીટીવી કરતા જાણવા મળ્યું હતું કે, રમેશભાઈના નામના વેપારીના હીરાના બે પેકેટ જે તેમણે પી.શૈલેશ આંગડિયા પેઢીને આપ્યા હતા, પણ તે રસ્તામાં પડી ગયા હતા. તાત્કાલિક તેમણે આંગડિયા પેઢીના કર્મચારીને બોલાવી હીરાની ખરાઈ કરી હતી. હીરાની અંદાજીત કિંમત 1 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. સફાઈ કામદાર વિનોદ સોલંકીની ઈમાનદારીને લઈ સુરત ડાયમંડ એસોસિયેશન ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ સફાઈ કામદારની ઈમાનદારીને પગલે લાખ રૂપિયાના હીરા પરત મળ્યા હતા.


આ વિશે વિનોદભાઈ સોલંકીએ કહ્યુ કે, ઝાડુ મારતા મને બે પેકેટ મળ્યાં હતા. તેથી હુ શેઠને આપવા ગયો હતો. તેના બાદ હુ મારા કામ પર ગયો હતો. મને કંઈક હશે તે વિચારીને મેં તેમને આપ્યા હતા. હુ 15 વર્ષથી એક જ જગ્યાએ કામ કરુ છું. મને મારી ઈમાનદારી વ્હાલી હતી, મને બીજુ કંઈ જ જોઈતુ ન હતું.