World Cup 2023: આઇસીસી વન-ડે વર્લ્ડકપને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. વર્લ્ડકપની ઉદ્ઘાટન મેચ-ફાઇનલ સહિત કુલ પાંચ મેચ અમદાવાદ ખાતે યોજાવાની છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ટીમ માટે આવવા-જવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં આટલાં મોટા આયોજનને પગલે ટીમોની સુરક્ષા, દર્શકોની સુરક્ષા, ટ્રાફિકની વ્યવસ્થા, સ્ટેડિયમની સુરક્ષા, બહારથી આવતા મહેમાનો અને વીવીઆઈપીની સુરક્ષા આ તમામ પાસાઓને લઈને અમદાવાદ શહેર પણ વર્લ્ડ કપ દરમિયાન એક પ્રકારે સુરક્ષા છાવણીમાં ફેરવાયેલું રહેશે. સામાન્ય દિવસોની સરખામણીએ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઇના પ્રેસિડેન્ટ રોજર બિન્ની, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, અમદાવાદ એરપોર્ટના અધિકારીઓ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાજેતરમાં બેઠક યોજાઇ હતી. જેમાં ટીમ બસને એરપોર્ટથી હોટેલ કઇ રીતે લઇ જવી અને અને હોટેલથી એરપોર્ટ કયા રૂટથી લાવવી તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટીમોને એરપોર્ટથી જનરલ એવિએશન ટર્મિનલથી લઇ જવાનો નિર્ણય લેવામાં આવ્યોછે. ચાર્ટર્ડ ફ્લાઇટના મુસાફરો, વીઆઇપી અવર જવર, એર એમ્બ્યુલન્સ જેવી સેવા માટે જનરલ એવિએશન ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવશે.


ક્રિકેટ વર્લ્ડ કપને લઈને આ સોમવારથી જ વધારી દેવામાં આવી શકે છે અમદાવાદ એરપોર્ટની સિક્યુરિટી છે. પાંચ ઓક્ટોબરે અમદાવાદ ખાતે વર્લ્ડ કપ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુકાબલા સાથે વન-ડે વર્લ્ડકપનો પ્રારંભ થશે. આ મુકાબલા માટે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ ૩ ઓક્ટોબરના બપોર સુધીમાં અમદાવાદ આવી જાય તેવી સંભાવના છે. વર્લ્ડકપની પ્રથમ મેચ અગાઉ ઉદ્ઘાટન સમારોહ પણ યોજાશે. જેમાં આશા ભોંસલે, શ્રેયા ઘોષાલ, શંકર મહાદેવન અને રણવીર સિંહ સહિતના કલાકારો પર્ફોમન્સ કરે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.