ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. 'ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. આગામી 5 જૂન એટલે કે 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જે 24,270 ચો. મી જેટલા વિશાળ પાર્કમાં આકાર પામશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર આ ઓક્સિજન પાર્કની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો, આ પાર્કમાં 'મિયાવાકી' પદ્ધતિથી 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે આ પાર્કમાં 7500 જેટલાં વૃક્ષો લગાવવામાં આવશે.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકાર પામનાર આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો મૂકવામાં આવશે. જેમ કે... નયનરમ્ય તળાવ, આકર્ષક લોન પ્લોટ, વોકિંગ ટ્રેક, આકર્ષક ગજેબો બનાવવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ માટે ઓપન જિમ્નેશિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. અને યોગા પોઇન્ટ પણ બનાવવામાં આવશે. તથા બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવશે.



આ અંગે વાત કરતા અમદાવાદ શહેરના શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને લીલુંછમ બનાવી ગ્રીન કવરના વિસ્તારમાં વધારો થાય તે દિશામાં સતત કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે કોર્પોરેશન શહેરીજનો માટે વધુ એક ઓક્સિજન પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ સમગ્ર ઓક્સિજન પાર્કને મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવશે.