મળવા જેવો માણસ, ચકલીઓના અસલી રક્ષક છે મનસુખભાઈ માલી
- આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીને રક્ષિત કરવા માટે આપણે જ જાગૃત થવું રહ્યું અને આપણી આગળની પેઢીને પ્રકૃતિની ઓળખ માટે પણ ચકલીઓને રક્ષિત કરવા જરૂરી છે
નરેશ ભાલીયા/જેતપુર :દિવસે અને દિવસે ચકલીઓ લુપ્ત થતી જઈ રહી છે. જ્યારે, શહેરોમાં તો ચકલી જોવા પણ આજે નથી મળતી. ત્યારે, આજે એક એવા વ્યક્તિની વાત કરીશું, જે છેલ્લા 30 વર્ષથી ચકલીઓની ખૂબ જ સારી રીતે માવજત કરી રહ્યા છે. જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈ-વે પર આવેલી તરત હોટલના માલિક મનસુખભાઈ માલી છેલ્લા 30 વર્ષથી તેમની હોટલમાં ચકલીની માવજત કરી રહ્યા છે. તેઓ પોતાની હોટલની છત પર ચકલીઓના માળા બનાવ્યા છે અને ચકલીઓને રક્ષણ આપે છે. મનસુખભાઈ સવારે આવે ત્યારે ચકલીઓને ચણ નાંખે છે અને પછી જ પોતાનું કામ શરૂ કરે છે. સાથે જ તેઓ લોકોને મફતમાં ચકલીના માળાઓ પણ આપે છે. જો તમે આ હોટલ પર આવશો તો તમને અહીં 250થી 300 જેટલી ચકલીઓનો કલરવ સાંભળવા મળશે. આજે વિશ્વ ચકલી દિવસ (sparrow day) નિમિત્તે ચકલીને રક્ષિત કરવા માટે આપણે જ જાગૃત થવું રહ્યું અને આપણી આગળની પેઢીને પ્રકૃતિની ઓળખ માટે પણ ચકલીઓને રક્ષિત કરવા જરૂરી છે.
આ પણ વાંચો : લોહીના સંબંધ : એક બહેને બીજી બહેનને કિડની આપી તેનો જીવ બચાવ્યો
પોતાની હોટલને ચકલીઓનું ઘર બનાવ્યું
જેતપુરના આ સેવાભાવી શખ્સ લોકોને સંદેશ આપે છે કે, ચકલીઓને સાચવો અને પ્રકૃતિને જાળવો. જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે ઉપર કે હોટલ આવેલી છે. જ્યાં ઉભા રહો એટલે ચકલીઓનો કલરવ સાંભળવા મળે અને પછી ચકલીના ચીંચીંનો અવાજ સાંભળવા મળશે. તમે આસપાસ નજર કરો એટલે તરત હોટલના છત ઉપર છપરામાં ઠેકઠેકાણે ચકલીના માળા જોવા મળશે. દરેક માળામાં ચકલીઓ પોતાના માળાને ઠેક ઠેકાણેથી નાના નાના તણખલા ભેગા કરીને માળા બનાવતી જોવા મળે છે. જાણે કે તે પોતાના ઘરને શણગારતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
હોટલની છત પર ચકલીઓએ 250 જેટલા માળા બાંધ્યા
આ હોટેલના માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરે છે. સાથે ચકલીઓ માટેના માળા મફત વિતરણ કરે છે. હોટેલ માલિક મનસુખભાઇ માલીના દિવસની શરૂઆત ચકલીથી શરૂ થાય છે. સવારે જેવા તે હોટેલ ઉપર આવે એટલે તરત જ ચકલીઓને ચણ આપે છે. ચોખા, દાણાં નાખવા અને સાથે સાથે ચકલીઓ માટે પાણીનો ક્યારો ભરવો અને પછી જ તેવો હોટેલમાં પોતાનું કામ ચાલુ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ હોટેલની આગળ પાછળ 250 જેટલા માળાઓ બાંધ્યા છે, જેથી ચકલીઓ આવીને વસવાટ કરી શકે. અહીં 250 થી 300 જેટલી ચકલીઓનો વસવાટ છે.
આ પણ વાંચો : નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી... સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનનો હાહાકાર
આખી હોટલમાં ચકલીઓનો કલરવ સંભળાય
હોટેલમાં આવીયે એટલે એવું લાગે કે પ્રકૃતિની ગોદમાં આવી ગયા છીએ. તેમાં પણ જયારે ચકલીઓને તેના માળા બનાવતા અને માળામાં રહેલ બચ્ચાને ખવડાતી હોય તે દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિને આ ચકલી પ્રેમીના વખાણ કરતા રોકી ન શકાય. અનેક લોકો એવા છે જેઓ માત્ર ચકલીનો અવાજ સંભાળવા માટે અહીં આવતા થયા છે.
મનસુખભાઈની અપીલ, ચકલીઓને બચાવો
મોટા શહેરોમાં હાલ ચકલી ઓ લુપ્ત થતી જાય છે, અને ચકલીઓ માત્ર ફોટા અને પિક્ચર અને ઈન્ટરનેટના વીડિયોમાં જોવા મળે છે. ત્યારે ચકલીઓની 25 વર્ષથી માવજત કરતા મનસુખભાઈ લોકોને અપીલ કરે છે કે, હવે જો ચકલીને બચાવવી હોય અને આપણી આવનાર પેઢીને ચકલી વિશે જાણકારી આપવી જરૂરી છે. દરેકના ઘરે ઓછામાં ઓછું એક ચકલીનું ઘર કે ચકલીનો માળો રાખે અને ચકલી માટે વ્યવસ્થા કરે.