અમદાવાદ આવેલા બાબા રામદેવે અગ્નિપથને લઈને આપ્યું મોટું નિવેદન
World Yoga Day 2022 : વિશ્વ યોગ દિવસ પહેલાં અમદાવાદમાં યોજાઈ યોગ શિબિર, નિકોલના વિરાંજલી મેદાનમાં બાબા રામદેવે લોકોને યોગની આપી તાલીમ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યા યોગ
સપના શર્મા/અમદાવાદ :અમદાવાદમાં વિશ્વ યોગ દિવસ પહેલાં યોગ શિબિર યોજાઈ છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાયેલી તાલીમ શિબિરમાં બાબા રામદેવે લોકોને યોગ શીખવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ યોગાસન કર્યાં. બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ યોગ દિવસે 3 લાખથી વધુ ગામડાઓમાં યોગનું આયોજન કરવામાં આવશે. યોગ કરવાથી લોકોમાં એકતા વધે છે.
બાબા રામદેવે કહ્યુ કે, યોગ કરવાથી લોકોની ચેતના એક થાય છે. પતંજલી તરફથી યોગ દિવસે 3 લાખથી વધુ ગામડાઓમાં યોગનું આયોજન કરવામાં આવશે. 100 વર્ષ સુધી તમામે પોતાનું આયુષ્ય 25 વર્ષનું રાખવાનું છે. પરંતુ અગ્નિપથને લઇ બાબા રામદેવે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે, જેમ ભારતમાં હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ અને હવે અગ્નિપથ પર દેશ આગળ વધી રહ્યો છે. અગ્નિપથ પર પણ વિરોધ કરવાનો સૌને અધિકાર છે, પણ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અને આ માટે સંયમ જોઈએ, યોગથી સંયમ આવશે.
આ પણ વાંચો : યુવાનો પણ શરમાય તેવી સ્ફૂર્તિથી પીએમ મોદી પાવાગઢના પગથિયા સડસડાટ ચઢી ગયા
તો આચાર્ય દેવવ્રતે કહ્યુ કે, આજે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. 10-12 વર્ષ પહેલા યોગનું જે બ્યુગલ વાગ્યું હતું તેને બાબા રામદેવે આજે ફરી તાજું કર્યું છે. જો આપણે સ્વસ્થ હોઈશું તો સાંસારિક, વેપારીક ઔદ્યોગિક તમામ જગ્યાએ કામ કરી શકીશું. પ્રધાનમંત્રીના આપણે આભારી છીએ કે તેમણે યોગને આખા વિશ્વ સુધી પહોચાડ્યું છે. પરિણામે 21 જૂને આ યોગ દિવસને દુનિયાના 177 દેશોએ ઉજવવાનું સ્વીકાર્યું. 21 જૂનના દિવસે યોજાનારો યોગ દિવસ લોકોને સ્વસ્થની એક નવી પ્રેરણા આપશે. ગુજરાતની આ ભૂમિ મહાપુરુષોની ભૂમિ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહને આ માટે ધન્યવાદ છે. તેમણે સમગ્ર સૃષ્ટિમાં સહયોગની ભાવના જગાવી છે. 21 જૂને મોટી સંખ્યામાં આપણે સાથે મળીને વિશ્વને એક સંદેશ આપીશું.
ઉલ્લેખનીય છે કે, 21 જૂને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાશે. ત્યારે તે પહેલા અમદાવાદમાં રવિવારે રાજ્ય યોગ બોર્ડ, પતંજલી યોગ સમિતિએ યોગ શિબિરનું આયોજન કર્યું. વીરાંજલી મેદાનમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરવા પહોંચ્યા હતા. અમદાવાદના મેયર અને મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હાજર રહ્યાં.