અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશની સરકારી અને અર્ધસરકારી સંસ્થામાં પ્રથમ વખત યુટેરસ (ગર્ભાશય) ટ્રાન્સપ્લાન્ટ થવા જઇ રહ્યુ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રથમ ઘટના છે જેમા એક જ સંસ્થામા એક જ દિવસમાં એક સાથે બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થવા જઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રથમ કિસ્સાની વાત કરીએ તો, 28 વર્ષીય પરણિત હિન્દુ યુવતી કે જેમને યુટેરાઇન ડાઇડેલ્ફીસ (બેવડુ ગર્ભાશય જન્મજાત) ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે. બીજા કિસ્સાની વાત કરીએ તો, 22 વર્ષીય મુસ્લિમ પરણિત યુવતી કે જેમને એમ.આર.કે.એચ. ટાઇપ 1 (જન્મજાત ગર્ભાશયની ગેરહાજરી) ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે. સરકારની યોજના PMJAY કાર્ડ અંતર્ગત ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતિ દર્દી રૂપિયા 3 લાખ 80 હજારની સહાય આપવામાં આવેલી છે, જેથી સમગ્ર ઓપરેશન બિલકુલ મફતમાં થશે.



ઉલ્લેખનીય છે કે, દર 5 હજાર દીકરીઓમાંથી 1 ને જન્મજાત ગર્ભાશય અવિકસિત અથવા ગેરહાજર હોય છે, જેથી તેઓ માતા બનવાનુ સુખ પ્રાપ્ત કરી શકતી નથી. આવી દિકરીઓ માટે આ ગર્ભાશય ટ્રાંસ્પ્લાંટ આશિર્વાદરુપ બનશે અને માતા બનવાનુ સુખ પ્રાપ્ત કરી શકશે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક અને ગાયનેકોલોજી વિભાગના વિભાગીય વડા ડો. વિનિત મિશ્રા તથા એમની સમગ્ર ટીમ તેમજ પુણે સ્થિત ખાનગી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમના સંકલનથી કરાશે. 


અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં કિડની, લીવર અને પિત્તાશયનું ટ્રાન્સપ્લાન્ટ થતુ હતુ, જેમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની પણ સુવિધા હવે ઉપલબ્ધ થઈ છે. દેશમાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ માટે પરવાનગી મળી હોય એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર. 



IKDRC નાં ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું કે, સેરોગસીનાં નિયમોમાં કડકાઈ હોવાથી ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ સરલતાથી થઈ શકશે. કોઈપણ ઉંમરની મહિલા ગર્ભાશયનું દાન કરી શકે છે. ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે સ્ટેટ ઓથોરાઈઝેશન કમિટી, ટ્રાન્સપ્લાન્ટ ઓફ હ્યુમન ઓર્ગન તરફથી IKDRC ને પરવાનગી આપવામાં આવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube