અમદાવાદ: અમદાવાદમાં યુવતી પર ચાલુ કારમાં દુષ્કર્મના મામલે આરોપી યામીનીની શુક્રવારે મોડી રાતે રાજકોટ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવાઈ છે. આરોપી યામીની રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ પકડે તે પહેલાં જ પોલીસે તેને એરપોર્ટ પરથી પકડી પાડી છે. આરોપીની સાથે પોલીસે અન્ય એક મહિલાની પણ ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચ બંને મહિલાઓનો કબજો મેળવીને અમદાવાદની મહિલા ક્રાઈમબ્રાંચ ખાતે લઈ આવી છે. આ બંને આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. આરોપી મહિલા પર રેપના મુખ્ય આરોપીને મદદ કરવાનો આરોપ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો માટે કરો ક્લિક- અમદાવાદ: દુષ્કર્મમાં મદદનો આરોપ છે તે મહિલાની રાજકોટથી ધરપકડ


બનાવની વિગત એમ છે કે શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરુનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. બળાત્કારનો વી‌ડિયો બનાવી યુવતીને લાકડી વડે માર મારી મોબાઈલ અને પર્સ લઇ છોડી દીધી હતી. યુવતી સાથે દુષ્કર્મ આચર્યા પછી વૃષભ નામના યુવકે સોશિયલ મીડિયામાં ફોટા મોકલીને 50 હજાર રૂ.ની માગણી કરી હતી. યુવતીએ કરેલી ફરિયાદ પ્રમાણે મણિનગર પાસે પણ યુવતીને કારમાં બેસાડી વી‌ડિયો વાઇરલ કરવાની ધમકી આપી ઇન્જેક્શન આપ્યાં હતાં. ઇસનપુરની કોન્ફી હોટલ પાસે પણ કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ શરીરે અડપલાં કરી વી‌ડિયો બનાવી લીધો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


આ ઘટનાની થયેલી પોલીસ ફરિયાદની વિગતો જોઈએ તો ઘોડાસર વિસ્તારમાં પ્રિયા (નામ બદલેલ છે) નામની યુવતી રહે છે. માર્ચ મહિનામાં પ્રિયા નહેરુનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં મંકી કેપમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા. પ્રિયાને કેફી પદાર્થ સુંઘાડીને બે શખ્સોએ ચાલુ ગાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો. અન્ય શખ્સોએ તેનો મોબાઈલમાં વી‌ડિયો પણ ઉતારી લીધો હતો. પ્રિયાને લાકડીથી માર મારી તેનાં મોબાઈલ-પર્સ પણ લઈ લીધાં હતાં. જો આ બાબતે તે કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખવાની ધમકી આપી છોડી દીધી હતી.વૃષભ નામના યુવકે પ્રિયાના ઇન્સ્ટાગ્રામમાં બીભત્સ ફોટા મોકલીને તેની સાથે હોટલમાં આવવા જણાવ્યું હતું તથા ધમકી આપીને રૂ. 50 હજારની માગણી પણ કરી હતી. આ પછી તે કાંકરિયા જલધારા વોટરપાર્ક પાસે ફૂટપાથ પરથી તે પસાર થતી હતી ત્યારે તેની પાસેથી સોનાની વીંટી અને રૂ. 3700 પણ લઇ લીધા હતા. આ બનાવ પછી પણ  એકથી વધારે વાર પ્રિયાની માનસિક અને જાતીય સતામણી કરવામાં આવી હતી.


આ ઘટના અંગે યુવતીએ તેનાં માતા-પિતાને વાત કરતાં તેઓ દ્વારા અભયમ્ હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમ તેને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ જતાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી હતી, જોકે બનાવની શરૂઆત સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હોઈ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે વૃષભ, યામિની અને ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.