અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ જાણી ચોંકી જશો
દારૂડિયા પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પત્ની સહિત પરિવારના 4 લોકોએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. દારૂડિયો પતિ સતત ત્રાસ ગુજારતો હોવાને કારણે પરિવારે કંટાળી આપઘાતનું પગલું ભર્યું હતું.
અમદાવાદઃ અમદાવાદમાં એક દારૂડિયા પતિએ પોતાના પત્ની સહિત પરિવારના લોકો પર એવો તો ત્રાસ ગુજાર્યો કે આખા પરિવારે સાબરમતી નદીમાં કુદીને આપઘાતનો પ્રયાસ કરી લીધો, પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની બહાદુરીના કારણે ચારેય લોકોનો જીવ બચી ગયો છે. ત્યારે કોણ છે આ દારૂડિયો પતિ અને કેમ પોતાના જ પરિવાર પર ગુજારતો હતો ત્રાસ, જોઈએ આ રિપોર્ટમાં...
વાત છે અમદાવાદની, જ્યાં રાતના અંધારામાં આંબેડકર બ્રિજ પરથી 4 લોકોએ સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવતા અફરા-તફરી મચી ગઈ છે. ત્યારે લોકોએ બુમાબુમ કરતા ત્યાંથી પસાર થતી પોલીસ વાનના એક પોલીસ જવાને નદીમાં કુદકો માર્યો અને બે લોકોને બચાવી લીધા, જ્યારે સ્થાનિકોએ પરિવારના અન્ય બે લોકોને પણ બચાવી લીધા. આખા બનાવ અંગે એલીસબ્રિજ પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યુ કે પત્ની સહિત પરિવારે દારૂડિયા પતિના ત્રાસના કારણે નદીમાં ઝંપલાવ્યુ હતુ.
આ પણ વાંચોઃ 2024ની ચૂંટણીમાં ગેરંટી લઈને આવ્યો છું, જાણો ડીસામાં પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
એલિસબ્રિજ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આપઘાતનો પ્રયાસ કરનાર પરિવાર સેટેલાઈટ વિસ્તારમાં રહે છે, જેમાં પત્ની રિનાબેન ચાવડા અને તેમના માતા ચંપાબેન જાદવ છે, જ્યારે ભાઈ રાહુલ જાદવ અને 6 વર્ષનો પુત્ર છે. તો આરોપી પતિ નવિનચંદ્ર ચાવડા ઘર જમાઈ બનીને રહે છે. નવિનચંદ્ર દરરોજ દારૂ પીને ઘરે આવતો. જેમાં તે પત્ની રિનાબેનને ઢોર માર મારતો, એટલું જ નહીં પરિવારજનોને પણ માનસિક ત્રાસ આપતો, દારૂડિયા નવિનચંદ્રનો ત્રાસ સતત વધી રહ્યો હતો. જેથી આખરે પરિવારે કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય કરી લીધો.
એલિસબ્રિજ પોલીસની તપાસમાં સામે આવ્યુ કે દારૂડિયા પતિ નવીનચંદ્ર સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં પણ હત્યાનો ગુનો નોંધાયો છે. ત્યારે હવે આ મામલે એલિસબ્રિજ પોલીસ મથકે ઘરેલુ હિંસા સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે