અમદાવાદઃ જ્યારથી કોંગ્રેસે 12 શહેરોના નવા પ્રમુખના નામની જાહેરાત કરી છે ત્યારથી કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખને લઈને પણ વિવાદ ઉભો થયો છે. નીરવ બક્ષીને હટાવીને અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શશીકાંત પટેલના નામની જાહેરાત થતાં જ કેટલાક કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.  કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યકરોનો રોષ જોવા મળ્યો. પ્રદેશ કાર્યાલય પર અમિત ચાવડાની પત્રકાર પરિષદ ચાલી રહી હતી તે વખતે 150થી વધુ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. ચાલુ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનર સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા અને શશીકાંત પટેલની નિયુક્તિ સામે વિરોધ દર્શાવીને નીરવ બક્ષીને જ પ્રમુખ બનાવવા માગ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર રજૂઆત કરવા આવેલા કાર્યકરોમાં રોષ એટલી હદે ફાટી નીકળ્યો કે ઓફિસ બહાર લગાવેલી અમિત ચાવડાની નેમ પ્લેટ પણ ઉખાડી નાખવામાં આવી તો દિવાલ પર લાગેલા કોંગ્રેસ નેતાના ફોટો પણ ફાડી નાખવામા આવ્યા. વિરોધ વધતા અમિત ચાવડા પત્રકાર પરિષદ છોડીને ચાલ્યા ગયા હતા તો આ અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે શિસ્તભંગ કરનાર કાર્યકરો સામે પાર્ટી જરૂરથી પગલાં ભરશે. જ્યારે શશીકાંત પટેલે સમગ્ર વિવાદ અંગે કહ્યું કે વિરોધ કરનાર કાર્યકરો કોંગ્રેસ પરિવારના જ છે તેઓને થોડા દિવસમાં મનાવી લેવામા આવશે.


અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ મુદ્દે જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે જોતા કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલો જૂથવાદ સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલો આ વિખવાદ આગામી ચૂંટણીમાં પણ અસર પાડી શકે છે. તેથી કોંગ્રેસ આ વિવાદને ટાળવા શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.