વડોદરામાં ગણેશ મહોત્સવમાં કરંટ લાગતા યુવકનું મોત, હાઈટેન્શન વાયરમાંથી કરંટ ટેમ્પામાં બેસેલા રાહુલ સુધી પહોંચ્યો
ભરૂચમા ગણેશજીની મૂર્તિ સમયે વીજ વાયર હટાવતા સમયે 7ને કરંટ લાગવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં વડોદરામાં આવી ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકામાં શ્રીજીની પ્રતિમા લાવતા સમયે કરંટ લાગતા યુવાન મોતને ભેટ્યો છે.
મિતેશ માળી/વડોદરા :પર્યાવરણને નુકશાનકારક હોવા છતાં ગુજરાતના અનેક ગણેશ મંડળો ઊંચી ગણેશજીની મૂર્તિ બનાવતા હોય છે. મંડળોમાં ઊંચી ગણેશજીની મૂર્તિઓ સ્થાપના કરવાની રીતસરની હોડ લાગેલી હોય છે, ત્યારે આવી જ ઊંચી ગણેશજીની મૂર્તિઓને કારણે ગુજરાતમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. ભરૂચમા ગણેશજીની મૂર્તિ સમયે વીજ વાયર હટાવતા સમયે 7ને કરંટ લાગવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં વડોદરામાં આવી ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકામાં શ્રીજીની પ્રતિમા લાવતા સમયે કરંટ લાગતા યુવાન મોતને ભેટ્યો છે.
શ્રીજીની ઊંચી પ્રતિમાને દુકાનદારથી મંડળમાં સ્થાપના સમયે ભારે જહેમત ઉઠાવવી પડે છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવતી આ મહાકાય મૂર્તિઓને લાવવા-લઈ જવા માટે રસ્તાઓ બંધ કરવા પડે છે, કેટલીક સાંકડી ગલીઓમાંથી પસાર થવુ પડે છે, ટ્રાફિક જામ થાય છે, તો ઊંચી પ્રતિમાઓને લઈ જતા સમયે વીજ વાયરો પણ વચ્ચે આવતા હોય છે. આવા જીવલેણ વીજ વાયરોને યુવકો પોતાની જાતે જ લાકડીથી હટાવે છે. ત્યારે તેમની આ જ ભૂલ ભારે પડે છે. પાદરામાં ગણેશ મહોત્સવ માટે શ્રીજી પ્રતિમાના આગમન સમય ગઈ કાલે રાત્રે ઘટના બની હતી. ગોવિંદપુરા યુવક મંડળના યુવાનો રાત્રે મહાકાય શ્રીજીની પ્રતિમા મંડળમાં લાવી રહ્યા હતા. શ્રીજીના આગમન માટે વરઘોડાની
વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વરઘોડાના લાઈટિંગ માટેના ટેમ્પા પર લગાડેલ ફ્લેગની દંડી હાઈટેન્શન વીજ તારને અડી ગઈ હતી. ફ્લેગની દંડી હાઇટેન્શન લાઈનને અડી જતા ટેમ્પામાં વીજ કરંટ પહોંચ્યો હતો, અને ટેમ્પામાં બેસેલ 24 વર્ષના રાહુલસિંહ પ્રવીણસિંહ પરમાર નામના યુવકને કરંટ લાગ્યો હતો.
રાહુલસિંહને કરંટ લાગ્યા બાદ તેને તાત્કાલિક પાદરાની ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનુ મોત નિપજ્યું હતું. બનાવને પગલે હોસ્પિટલમાં મંડળના યુવકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રાહુલસિંહના મોતના સમાચારથી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે પાદરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, હજી ત્રણ દિવસ પહેલા 27 ઓગસ્ટના રોજ ભરૂચના ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :