યુવરાજસિંહના એકાએક સૂર બદલાયા, કહ્યું- AAPના નેતાઓને કમલમમાં વિરોધ ના કરાય...
એક વિદ્યાર્થી નેતા તરીકે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમે વધાવ્યો છે. તેમને આ મુદ્દે ન્યાય અપાવવા બદલ તમામ મીડિયાનો આભાર માન્યો હતો. પેપર લીક કાંડ મુદ્દે અમે મહત્ત્વપૂર્ણ પુરાવા મીડિયામાં મુક્યા હતા
ગાંધીનગર: પેપર લીક કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ZEE 24 કલાકની ખબર પર મહોર લગાવતા જણાવ્યું હતું કે હેડ ક્લર્કની ભરતી પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું છે. હવે પરીક્ષા ફરીથી લેવાશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં પેપર રદ કરવું જરૂરી હતું. આ સમાચાર બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કના પેપર લીકના પૂરાવા રજૂ કરીને વિદ્યાર્થીઓને અવાજ બનવા માંગતા યુવરાજસિંહના આખરે એકાએક બોલ બદલાયા હતા. એટલું જ નહીં યુવરાજસિંહે પોલીસની તપાસ કામગીરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણયને આવકાર્યો હતો. તેમજ તપાસ નિષ્પક્ષ હોવાનું રટણ કર્યુ હતું.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થી નેતા તરીકે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમે વધાવ્યો છે. તેમને આ મુદ્દે ન્યાય અપાવવા બદલ તમામ મીડિયાનો આભાર માન્યો હતો. પેપર લીક કાંડ મુદ્દે અમે મહત્ત્વપૂર્ણ પુરાવા મીડિયામાં મુક્યા હતા ત્યારબાદ આખો મામલો બહાર આવ્યો હતો. તેમણે પોલીસનો પણ આભાર માન્યો હતો.
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, અમે પેપરલીક કાંડના જરૂરી પુરાવા ગૌણ સેવા અને પોલીસમાં આપ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર રેન્જ આઈજીએ પુરવાના આધારે તપાસ કરી હતી.સરકારે હાલ પરીક્ષા રદ કરીને માર્ચમાં લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ મુદ્દે યુવરાજે જણાવ્યું હતું કે અમને પરીક્ષાની નિશ્ચિત તારીખ આપવામાં આવે. અમને પેપર લીક કાંડ મુદ્દે ગૌણ સેવા અને પ્રિન્ટિંગ પ્રેસ પર પહેલાથી શંકા હતી. અમારો એક સવાલ એ છે કે આ પ્રાઈવેટ પ્રેસને કોન્ટ્રોક્ટ કેમ આપવામાં આવ્યો? અમને હજુ પણ આ મુદ્દે SITની રચના કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તેવું ઈચ્છીએ છીએ. અમારી માંગ છે કે આ પ્રાઈવેટ પ્રેસ પર કડક કાર્યવાહી કરવામાં આવે, એટલું જ નહીં, પ્રેસના માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને આ કેસ ફસ્ટેક કોર્ટમાં ચલાવાનો નિર્ણયને અમે વધાવીએ છીએ.
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળનેકેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના પેપર આઉટ ઓફ ગુજરાતમાં છપાયા છે તો કેમ આ ગુજરાતમાં ખાનગી પ્રેસમાં કેમ છપાયું? આની સાથે જોડાયેલા તમામની તપાસ કરવામાં આવે. અમે પેપર લીક કાંડમાં સંડોવાયેલા તમામ લોકોના પુરાવા આપી દીધા છે, રેન્જ આઈજીને આપી દીધા છે. મારી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય જગ્યાએ યોગ્ય રજુઆત કરવાની હોય છે. વિદ્યાર્થી આગેવાન તરીકે આ મુદ્દો આગળ રાખીશ.
સોમવારે 20મી ડિસેમ્બરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ હેડક્વાર્ટર કમલમ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનને પણ યુવરાજસિંહે અયોગ્ય ગણાવ્યું હતું. AAPના નેતા યુવરાજસિંહના અચાનક સૂર બદલાતા તમામને આશ્ચર્ય થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પાર્ટીએ વિરોધ કરવો હોય તો તેમના કાર્યાલયે ન જવાય. એટલે કે AAP પાર્ટી પોતાની રજુઆત કરવા ગઈ હતી, પરંતુ મારા મતે ગૌણ સેવા કે સરકારી કચેરીએ રજુઆત કરી હોત તો આવું ન બન્યું હોત. યુવરાજસિંહે આપના નેતાઓને જણાવ્યું હતું કે, કમલમમાં વિરોધ ના કરાય. નેતાઓએ વિરોધ કરવા માટે ગૌણ સેવા મંડળ જવું જોઈતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, AAP બાદ કોંગ્રેસના ધારાસભ્યો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા છે. ગૌણ સેવાના અસિત વોરાના રાજીનામાની માંગ સાથે રજુઆત કરશે. મુખ્યમંત્રી યુવાનોની માફી માંગેના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube