પોલીસ પર ગાડી ચડાવવાના આરોપમાં યુવરાજસિંહના જામીન મંજૂર, ગાંધીનગરમાં પ્રવેશવા પર પ્રતિબંધ
Yuvraj Singh Jadeja Granted Bail: ગાંધીનગર સેશન્સ કોર્ટે પોલીસ પર ગાડી ચડાવવાના આરોપમાં યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. ચાર્જશીટ ફાઈલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ ન મળવાની શરતે યુવરાજસિંહ જાડેજાને જામીન આપવામાં આવ્યા છે.
હિતલ પારેખ/ગાંધીનગર: આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસ પર ગાડી ચડાવવાના આરોપમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, ગાંધીનગર સેશન્સ કોર્ટે પોલીસ પર ગાડી ચડાવવાના આરોપમાં યુવરાજસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા છે.
આમ આદમી પાર્ટી તેમજ આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજાની 5 એપ્રિલના રોજ પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘર્ષણ બાદ પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, યુવરાજસિંહે પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું હતું આ ઉપરાંત પોલીસ પર ગાડી ચડાવીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, આ મામલે ધરપકડ બાદ યુવરાજસિંહને ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે જાડેજાને રાહત આપી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે પોલીસ પર ગાડી ચડાવવાના આરોપમાં યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. ચાર્જશીટ ફાઈલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ ન મળવાની શરતે યુવરાજસિંહ જાડેજાને જામીન આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસે 307 ની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરાઈ હતી. તે સમયે ગાંધીનગર પોલીસે મીડિયાને જાણકારી આપતાં કહ્યું હતું કે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પોલીસે સમજાવીને કહ્યું હતું કે વિધાનસભાના ગેટ પર રસ્તો જામ ના કરશો. પરંતુ તેઓ માન્યા નહીં એટલે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરીને એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા.
આ સમયે યુવરાજ સિંહ અને દીપક ઝાલા ત્યાં હાજર હતા અને અટકાયત કરેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને જ્યાં રખાયા હતા ત્યાં આવીને યુવરાજ સિંહે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવરાજ અને દીપક ઝાલાને અટકાવ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જો કે, પોલીસે યુવરાજ સિંહને અટકાવવાનો પ્રયાસ કર્યા કરવાની સાથે પોલીસે તેની ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવરાજે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. આ આરોપમાં યુવરાજ સિંહ સામે કલમ 307 અને કલમ 322 હેઠળ ગુનો નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube