Gujarat Riots 2002: આશ્કા જાની/અમદાવાદ: નરોડા ગામ હત્યા કાંડમાં સ્પેશિયલ કોર્ટે  પૂર્વ મંત્રી માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અંદાજે 21 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે. કેસના કુલ 86 આરોપીઓ પૈકી 18ના મૃત્યુ થઈ ચુક્યા છે. જ્યારે બાકીના 68 આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી મહત્વની વાત એ છે કે કોર્ટે ફક્ત એક જ લાઈનમાં ચુકાદો આપ્યો કે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત કોર્ટે સ્ટિંગ ઓપરેશનને પણ માન્ય ગણ્યું નથી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે માયાબેન કોડનાનીની હાજરી ઘટના સ્થળે પૂરવાર થતી નથી. કોર્ટના ચુકાદા બાદ માયાબેન કોડનાનીએ ભગવાનનો આભાર માન્યો હતો. બીજી તરફ ફરિયાદીના વકીલે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાશે તેમ કહ્યું છે. ચુકાદા બાદ કોર્ટ પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આરોપીના અને તેના સ્વજનો રડતા નજરે પડ્યા હતા.


આ ઐતિહાસિક ચુકાદા બાદ ઝી 24 કલાક પર પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.  માયાબેન કોડનાનીએ પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. સત્ય પરેશાન હો સકતા હે, પરાજિત નહીં. 



ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી. 


શું છે સમગ્ર મામલો
ઘટના 27 ફેબ્રુઆરી 2002ની છે, તે દિવસે સાબરમતી એક્સપ્રેસ અયોધ્યાથી ગુજરાત પહોંચી હતી. ગુજરાતમાં પ્રવેશ કર્યાના થોડા સમય પછી આ ટ્રેનને વડોદરા નજીક ગોધરા ખાતે તેના S-6 ડબ્બામાં ઘેરી લેવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ કોચ અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોથી ભરેલો હતો. આગમાં 59 લોકોના મોત થયા હતા.


આ આગની ઘટનાના એક દિવસ પછી ગુજરાતમાં કોમી તોફાનો થયા હતા. ગોધરાની ઘટનાના બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ ગોધરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. તમામ શાળાઓ, દુકાનો અને બજારો બંધ હતા. ભીડમાં રહેલા લોકોએ દરેક જગ્યાએ પથ્થરમારો શરૂ કર્યો. ધીમે ધીમે માહોલ વણસ્યો અને શરૂ થયો પથ્થરમારો, આગચંપી અને તોડફોડ શરૂ થઈ. આ દરમિયાન 11 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.


ગોધરામાં કોમી તણાવ બાદ નરોડા પાટિયા ગામમાં પણ રમખાણો શરૂ થયા હતા. આ બંને વિસ્તારોમાં આ કોમી હિંસા દરમિયાન લગભગ 97 લોકોના મોત થયા હતા. આ હિંસા બાદ સમગ્ર રાજ્યમાં રમખાણો થયા હતા. ભારતના તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલે 11 મે 2005 ના રોજ ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે 790 મુસ્લિમો અને 254 હિંદુઓ એટલે કે કુલ 1,044 લોકો માર્યા ગયા.


જ્યારે, 223 લોકો એવા હતા જે તે સમયે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, જેઓ પાછળથી મૃત હોવાનું માનવામાં આવે છે. આ 223 ગુમ થયેલા લોકોનો સમાવેશ કર્યા પછી ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર ગુજરાત રમખાણોમાં કુલ 1267 લોકો માર્યા ગયા હતા. જો કે, સ્થાનિક લોકો અને કેટલીક બિન-સરકારી સંસ્થાઓના જણાવ્યા અનુસાર, રમખાણોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા હતા.


બીજી તરફ ન્યાયની વાત કરીએ તો આ 20 વર્ષમાં ગુજરાત રમખાણોને લગતા કુલ 9 કેસ નોંધાયા હતા. જેમાંથી 8ની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ગોધરાની ઘટના, બેસ્ટ બેકરી, સરદારપુરા કેસ, નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી, ઓડે ગામ, દીપડા દરવાજા અને બિલકીસ બાનો કેસનો સમાવેશ થાય છે.


માયા કોડનાનીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.


નરોડા ગામ કેસમાં 2009માં કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં 327 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. માયા કોડામણી અને બાબુ બજરંગીને 2012માં SIT કેસમાં વિશેષ અદાલતે હત્યા અને ષડયંત્ર માટે દોષિત ઠેરવ્યા હતા. ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય માયા કોડનાની પર ગોધરા કાંડ પર ગુસ્સે થયેલા હજારોના ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે, જેના પછી નરોડા ગામમાં મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 82 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.


જ્યારે માયા કોડનાની કહે છે કે રમખાણોની સવાર ગુજરાત વિધાનસભામાં હતી. માયા કહે છે કે જે દિવસે રમખાણો થયા હતા તે દિવસે તે ગોધરા ટ્રેન કાંડમાં માર્યા ગયેલા કાર સેવકોના મૃતદેહો જોવા માટે બપોરે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે પ્રત્યક્ષદર્શીઓએ કોર્ટમાં કહ્યું છે કે રમખાણો દરમિયાન માયા કોડનાની નરોડામાં હાજર હતી અને તેણે ટોળાને ઉશ્કેર્યો હતો.


આ ધારાઓમાં ચાલી રહી છે ટ્રાયલ
નરોડા ગામ કેસમાં આરોપીઓ સામે IPC કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર રીતે સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ તોફાનો), 120B (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ ચાલી રહ્યો છે.