રવિ અગ્રવાલ/વડોદરા : તારીખ 18 સપ્ટેમ્બર 2022માં આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની તમામ સરકારી હૉસ્પિટલોમાં રાત્રે 8 વાગ્યા સુધી ઓપીડી ચાલુ રાખવામાં આવશે. સરકારની આ જાહેરાત પહેલાં સરકારી હૉસ્પિટલોમાં સાંજની ઓપીડીનો લાભ દર્દીઓને 5 વાગ્યા સુધી જ મળતો હતો. તો શું ખરેખર દર્દીઓને સારવારનો લાભ આપવા માટે કરેલી જાહેરાતનું પાલન સરકારી હૉસ્પિટલો કરી રહી છે કે નહીં તેનું ઝી 24 કલાકે કર્યું છે સ્ટિંગ ઓપેરશન. તારીખ 18 સપ્ટેમ્બર 2022ના દિવસે આરોગ્ય વિભાગના અધિક અગ્ર સચિવ મનોજ અગ્રવાલે મોટા ઉપાડે કરેલી જાહેરાતનું કેટલું પાલન થઈ રહ્યું છે અને સરકારી સારવારના દાવાની સચ્ચાઈ શું છે તેનું વાસ્તવિક ચિત્ર બતાવવા જઈ રહી છે. તમારી ચેનલ ZEE 24 કલાક. સરકારના જ આદેશને કેવી રીતે સરકારી હૉસ્પિટલો ઘોળીને પી ગઈ છે તે જુઓ. લોકોની સેવા માટે સરકારી હોસ્પિટલોમાં રાત્રે 8 વાગ્યા સુધી OPD ચાલુ રાખવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પહેલાં મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવી હતી તેની સચ્ચાઈ શું છે તે જુઓ. તમારી ચેનલ ઝી 24 કલાક પહોંચી છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં. જ્યારે ઝી 24 કલાકની ટીમ સ્ટિંગ ઓપરેશન માટે સયાજી હોસ્પિટલમાં પહોંચી તો સરકારી દાવામાં કેટલી સચ્ચાઈ છે તેની પોલ તરત જ ખુલી ગઈ. જરા જુઓ, વડોદરાની સયાજી હોસ્પિટલમાં 5 વાગ્યા પછી OPDને તાળાં મારી દેવામાં આવે છે. સાંજે 5 વાગ્યા પછી OPDમાં કોઈ જ સિનિયર ડૉક્ટર હાજર નથી રહેતા. એટલું જ નહીં પણ 5 વાગ્યા પહેલાં પણ મોટા ભાગે રેસિડેન્ટ તબીબોથી જ OPD ચાલતી જોવા મળે છે. આપણે આપણી પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ ભરીએ છીએ. તેમાંથી આ સરકારી ડૉક્ટરો દોઢથી બે લાખ રૂપિયાનો પગાર લે છે. પરંતુ તેના બદલામાં તેઓ દર્દીઓને સેવા આપવાના બદલે શું કરે છે તે જુઓ જરા. હદ તો ત્યારે થઈ જ્યારે ઝી 24 કલાકના રિપોર્ટરને જુનિયર તબીબોએ એમ કહ્યું કે- રાત્રે આઠ વાગ્યા સુધી ઓપીડી ખુલી રાખીને દર્દીઓને સારવાર કરવાના સરકારના ફતવાને અમે નથી માનતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા... આ એ ડૉક્ટરો છે જેમને આપણે ટેક્સ ભરીએ છીએ તેમાંથી એટલું સ્ટાઈપેન્ડ મળે છે જેટલો સામાન્ય કંપનીમાં કામ કરતા કર્મચારીનો પગાર નથી હોતો. અને તેમ છતાં આ નઘરોળ આરોગ્ય વિભાગના સરકારી ડૉક્ટરો માત્ર 2 કલાક વધારે ઓપીડી સેવા આપવાના સરકારના પરિપત્રને માનવા તૈયાર નથી. જ્યારે ઝી 24 કલાકની ટીમ સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પહોંચી તો વધુ એક ભોપાળું બહાર આવ્યું. અમને જાણવા મળ્યું કે, તાત્કાલિક સારવાર વિભાગમાં સર્જિકલ, ઓર્થોપેડિક અને મેડીસીન વિભાગના ત્રણ સિનિયર તબીબો હાજર જ રહેતા નથી. નિયમ મુજબ આસિસન્ટન્ટ પ્રોફેસર કક્ષાના તબીબને ફરજિયાત 24 કલાક તાત્કાલિક સારવાર વિભાગમાં હાજરી આપવાની હોય છે..પરંતુ વડોદરામાં એક પણ નિયમનો અમલ થતો હોય તેવું દેખાતું નથી. 


એક તરફ અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં સરકારી તબીબો ગુલ્લી મારીને ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે અને તમામ વિભાગોના વડાઓને ગુલ્લીબાજ ડોક્ટરો પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે અને હવે વડોદરામાં જુઓ. મોટા મોટા પગાર લઈને તાગડધીન્ના કરતા સરકારી તબીબોને ગાદીવાળી ખુરશી ઉપર બેસીને દર્દીઓની તપાસ કરવામાં પણ જોર આવી રહ્યું છે. દર્દીઓ બાપડા-બીચાર બનીને એક સ્થળેથી બીજા સ્થળે સારવાર માટે રઝળે છે અને આ લાખો રૂપિયાનો પગાર લેતા સરકારી ડૉક્ટરો માતેલા સાંઢની જેમ સરકારના પરિપત્રને જ ઘોળીને પી ગયા છે. શું આરોગ્ય વિભાગના અધિક અગ્ર સચિવ મનોજ અગ્રવાલ આ મુદ્દે કોઈ જવાબ આપશે? શું તેઓ આ લાચાર દર્દીઓ વતી માફી માગશે કે હા અમે કરેલા પરિપત્રનું પાલન અમારો જ વિભાગ નથી કરતો એટલે અમે માફી માગીએ છીએ. તંદુરસ્ત ગુજરાત માટે ઉત્તમ સારવારના દાવા કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ સરકારી લાલિયાવાડી માટે પોતાની જવાબદારી સ્વીકારશે? ZEE 24 કલાક પૂછે છે સવાલ, રાત્રે 8 વાગ્યા સુધી ઓપીડીમાં દર્દીઓની સારવાર કરવાના પરિપત્રનો સરકારી હૉસ્પિટલોમાં કેમ અમલ નથી થતો? 



શું વડોદરાની સયાજીરાવ હૉસ્પિટલના તબીબોને લાગુ નથી પડતો સરકારનો પરિપત્ર? કેમ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી નથી રહેતી OPD?.... કેમ દર્દીઓને છોડી દેવાય છે રામ ભરોસે?... શું ખાનગી હૉસ્પિટલોને નફો કમાવી આપવા માટે આ સરકારી ડૉક્ટરો ઓપીડી ચાલુ નથી રાખતા કે પછી તેઓ ખુદ ઓપીડીમાંથી છટકીને પોતે ખોલેલી હૉસ્પિટલમાં જઈને સરકારી નોકરીના સમયમાં ખાનગી પ્રેક્ટીસ કરીને હરામની કમાણી કરી રહ્યા છે? ZEE 24 કલાક આજે આખો દિવસ સવાલ પૂછશે.. પૂછશે અને પૂછશે... સરકાર જવાબ આપે... આરોગ્ય મંત્રી જવાબ આપે... માનનીય આરોગ્ય વિભાગના અધિક અગ્ર સચિવ મનોજ અગ્રવાલ જવાબ આપે કે વડોદરાના આ નઘરોળ ડૉક્ટરો દર્દીઓને સેવા આપવાથી કેમ દૂર ભાગી રહ્યા છે? 


સરકારી પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરનારા આ દેવદૂતોને જનતાની માઈ બાપ ગણાતી સરકાર સજાનું ઈન્જેક્શન આપશે કે આરોગ્ય વિભાગ ચૂંટણી પછી પણ હજુ ઊંઘમાં જ છે? ZEE 24 કલાક જનતાના હકની આ વાત આજે આખા ગુજરાતને બતાવશે જેથી બધાને ખબર પડે કે જનતાની સેવા માટેના જે દાવા થાય છે તેનું પાલન કેવી રીતે થઈ રહ્યું છે અને તેનું પાલન નથી થતું તો પછી તેના માટે જવાબદાર કોણ છે? આ સ્ટિંગ ઓપરેશન અંતરિયાળ આદિવાસી જિલ્લાની સરકારી સિવિલ હૉસ્પિટલનું નથી... આ સ્ટિંગ ઓપરેશન મધ્ય ગુજરાતમાં અમદાવાદ પછીના સૌથી મોટા શહેર વડોદરાની સરકારી હૉસ્પિટલનું છે. અને અમે આ એટલા માટે બતાવી રહ્યા છીએ જેથી નઘરોળ તંત્રની આંખો ખુલે અને પરિપત્ર કરીને ગાઢ નિંદ્રામાં પોઢી જતા મોટા સરકારી બાબુઓ પણ જાગે. જરા જુઓ... વડોદરાની જનતાએ જેમના પર ભરોસો મુક્યો એ જ ભરોસાને કેવી રીતે તોડી રહ્યા છે આ સરકારી ડૉક્ટરો... આ સરકારી હૉસ્પિટલ અને કેવી રીતે સરકારના ઈરાદા પર પાણી ફેરવી રહ્યા છે આ પાપીઓ...