• આજે વર્લ્ડ કેન્સર ડે પર તમારે કેન્સર સાથે જોડાયેલી તમામ માહિતી જાણવી બહુ જ જરૂરી છે

  • કેન્સરના વહેલા નિદાન માટે કરવામાં આવતા ટેસ્ટ આડઅસર રહિત છે


ઝી મીડિયા/બ્યૂરો :કેન્સર એટલે શું…? કેન્સરને કંઇ રીતે અટકાવી શકાય…? આ તમામ પ્રકારના મુંઝવતા પ્રશ્નોના ઉત્તર આપવા માટે સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (જી.સી.આર.આઇ.) દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કેન્સરની જનજાગૃતિ (cancer awareness) માટે કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 6 વર્ષની કામગીરી વિશેનો ચિતાર આપતા કેન્સર હોસ્પિટલના નાયબ નિયામક ડૉ. પરિસીમા દવે કહે છે કે, કેન્સર હોસ્પિટલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનજાગૃતિના બહોળા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. વર્ષ 2015 થી 2020 સુધીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ ગામડાઓ, શહેરોમાં 74 જેટલા કેન્સર જાગૃતિના તથા 65 કેન્સર તપાસ કેમ્પ દ્વારા 3629 જેટલી સ્ત્રીઓની મેમોગ્રાફી, 16,039 જેટલી સ્ત્રીઓના પેપ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્સરના વહેલા નિદાન માટે કરવામાં આવતા ટેસ્ટ આડઅસર રહિત છે. આજે વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) પર તમારે કેન્સર સાથે જોડાયેલી તમામ માહિતી જાણવી બહુ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ કઇ રીતે ઘટાડી શકાય, દર્દી કેન્સર સામે મકક્મતાથી લડત આપી શકે તે માટે દર વર્ષે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2021માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણીની થીમ “આઇ એમ, આઇ વીલ” એટલે કે ‘‘ હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું, હું કેન્સર સામે લડત આપી તેને મ્હાત આપીશ.’’ “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણી દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. “કેન્સર એટલે કેન્સલ” એ ગેરમાન્યતાઓથી દૂર થઇને કેન્સરની સમયસર નિદાન કરાવીને તેની સારવાર કરાવવી જોઇએ. ”કેન્સર” શબ્દ કાને ગૂંજે ત્યારે ઘણાંય દર્દીઓ, પરિવારજનો પડી ભાંગે છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી તેનો સામનો કરવાનો છે. મોટાભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે જ સારવાર માટે હોસ્પીટલનો સપર્ક સાધતા હોય છે. પરંતુ સમયસર, વહેલા નિદાન અને સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય છે.


સૌ પ્રથમ તો કેન્સર એટલે શું? તે જાણવું ખૂબ જ જરૂરી છે
માનવશરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલીક આંતરિક ખામી અને બાહ્ય પરિબળોના કારણે કોષોની વૃધ્ધિ અને વિભાજનની ક્રિયાની લય તૂટી જાય છે. આથી કોષોની કાબૂ બહારની વૃધ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા રૂપે દેખાય છે જેને કેન્સર કહે છે. 


આ પણ વાંચો : ભત્રીજી સોનલ મોદીએ કાકા નરેન્દ્ર મોદી પાસેથી ચૂંટણી લડવા ટિકીટ માંગી, આજે પિક્ચર થશે ક્લિયર


કેન્સરના લક્ષણો
કેન્સર (cancer day) ના સર્વસામાન્ય લક્ષણોમાં શરીરના કોઇપણ ભાગમાં લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, સ્તનમાં ગાંઠ અથવા સ્તનની ડીંટડીમાંથી લોહી પડવુ, યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું, શરીરના કોઇપણ ભાગમાં ગાંઠ હોવી, શરીરના કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું જેવા લક્ષણો મોટા ભાગે જોવા મળે છે.
 
કેન્સરની સારવાર
કેન્સર (Cancer) ની સારવાર મુખ્યત્વે ચાર પદ્ધતિઓ દ્વારા થાય છે, જેમાં શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર (રેડિયો થેરાપી) અને દવાઓની સારવાર (કિમોથેરાપી), રાહતદાયી સંભાળ (પેલિએટિવ કેર)નો સમાવેશ થાય છે. શસ્ત્રક્રિયામાં કેન્સરગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવે છે.  રેડિયોથેરાપીમાં કેન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે. કિમો થેરાપીમાં કેન્સર વિરોધી દવાઓ આપવામાં આવે છે, જ્યારે પેલિએટિવ કેરમાં કેન્સરના દુખાવા અને અન્ય તકલીફોમાં કાઉન્સેલીંગ દ્વારા માનસિક રીતે મક્કમ બનાવવાની સારવાર આપવામાં આવે છે. 


આ પણ વાંચો : કોમી એકતાનું મોટું ઉદાહરણ, એક મંડપમાં હિન્દુ યુવતી ફેરા ફરી, તો બીજા મંડપમાં નિકાહ પઢાવાયા 


કેન્સર અટકાવવાના ઉપાયો
શરીરના મોંઢા અને ગળાના ભાગમાં થયેલા કેન્સરને અટકાવવા માટે ખાસ કરીને કોઇપણ પ્રકારનું વ્યસન ટાળવું જોઇએ, મ્હોંની સ્વચ્છતા જાળવવી તેમજ દિવસમાં બે વાર બ્રશ કરવું જોઇએ. તૂટેલા દાંત કે બરાબર બંધ ન બેસતા દાંતના ચોકઠાની દાંતના તબીબ પાસે તાત્કાલિક સારવાર કરાવવી જોઇએ બને ત્યાં સુધી દર મહિને અરીસા સામે ઉભા રહી મોંઢાની જાત તપાસ કરવી જોઇએ. 


ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે જાતીય સમાગમ પહેલા અને પછી, ન્હાતી વખતે તથા પેશાબ કર્યા પછી પ્રજનન અંગોની પૂરતી સ્વચ્છતા જાળવવી જોઇએ, ૩૦ વર્ષ પછી દરેક પરિણીત સ્ત્રીએ નિયમિત રીતે પેપ ટેસ્ટ કરાવવા જોઇએ. આ પેપ ટેસ્ટની કોઇ આડઅસર થતી નથી. સ્તનના કેન્સરને અટકાવવા માટે વર્ષમાં એક વાર નિષ્ણાંત તબીબ દ્વારા સ્તનની તપાસ કરાવવી જોઇએ. 35 વર્ષ પછીની ઉંમરે દરેક સ્ત્રીએ ડૉક્ટરની સલાહ પ્રમાણે મેમોગ્રાફી કરાવવી જોઇએ.


આ પણ વાંચો : ગુજરાતમાં ફરી કોલ્ડવેવ : ભૂજ શહેરે ઝાકળની ચાદર ઓઢી, ભૂજીયો ડુંગર પણ થયો અદ્રશ્ય