બ્રાઉન રાઈસના ફાયદાઓ સાંભળી છોડી દેશો વ્હાઈટ રાઈસ, જાણો તબીબો કેમ આપે છે એની સલાહ
નવી દિલ્લીઃ ભારતીય ભોજન ભાત(Rice) વિના અધૂરું માનવામાં આવે છે. ભારતમાં તો કેટલાક રાજ્યોમાં ભાત એ લોકોનું મુખ્ય ભોજન છે. ભાતમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે, સફેદ અને બ્રાઉન રાઈસના પોતાના ફાયદા છે. લોકોમાં પણ સવાલ છે કે શું વ્હાઈટ રાઈસ શરીર માટે ફાયદાકારક છે કે બ્રાઉન રાઈસ. આવો જાણીએ બંનેના તફાવત વિશે તેમજ બ્રાઉન રાઈસના ફાયદાઓ વિશે.
બ્રાઉન રાઈસ એટલે શું?
બ્રાઉન રાઈસમાં અનાજના તમામ ભાગો, ખાસ કરીને બ્રાન(Bran) અને જર્મ(Germ) હોવાથી તે વધુ પૌષ્ટિક હોય છે. પરંતુ સફેદ ચોખામાં આ બંને વસ્તુઓ હોતી નથી, અને જરૂરી પોષક તત્વો પણ બહુ ઓછા પ્રમાણમાં હોય છે, તેથી બ્રાઉન રાઈસ સફેદ ચોખા કરતાં આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
બ્રાઉન રાઈસ ફેક્ટ્સ-
US ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ, સફેદ ચોખાના 1 કપ(185 ગ્રામ)માં 242 કેલરી, 4.43 ગ્રામ પ્રોટીન, 0.39 ગ્રામ ફેટ, 53.2 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને 0.56 ગ્રામ ફાઇબર હોય છે. જ્યારે 1 કપ(200 ગ્રામ) બ્રાઉન રાઇસમાં 248 કેલરી, 5.54 ગ્રામ પ્રોટીન, 1.96 ગ્રામ ફેટ, 51.7 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને 3.23 ગ્રામ ફાઇબર હોય છે. આ સિવાય સફેદ અને બ્રાઉન રાઈસમાં ફોલેટ અને આયર્ન પણ જોવા મળે છે.
બ્રાઉન રાઈસ શું કામ હોય છે ફાયદાકારક-
જ્યારે પોષક તત્વોની વાત આવે છે, ત્યારે સફેદ ચોખા કરતાં બ્રાઉન રાઈસમાં વધુ પોષક તત્વો જોવા મળે છે. આ પ્રકારના ચોખામાં વધુ ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ્સ તેમજ ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જ્યારે સફેદ ચોખા મોટાભાગે માત્ર કેલરી અને બહુ ઓછા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. સફેદ ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સ પણ વધુ હોવાથી તે ફાયદાકારક નથી.
બ્રાઉન રાઈસમાં ડાયેટરી ફાઈબર, ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને સેલેનિયમ, વિટામિન-B1, B2, B3, B6, E, અને K અને એન્ટીઑકિસડન્ટ-ફ્લેવોનોઈડ્સ અને પ્રોટીન જેવા કેટલાક આવશ્યક પોષક તત્વો છે. જે શરીર માટે ખુબ ફાયદાકારક છે.
બ્રાઉન રાઈસના ફાયદા-
1) વજન ઘટાડવામાં મદદ કરે છે-
બ્રાઉન રાઈસ ખાવાથી શરીરને જરૂરી ફાઈબર્સ મળી રહે છે. સાથે જ સફેદ ચોખા કરતા આમાં બહું ઓછા પ્રમાણમાં ફેટ હોય છે. ફાઇબરયુક્ત બ્રાઉન રાઈસથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગશે નહીં, જેને કારણે તમે અન્ય ભોજન ખાવાથી પણ પોતાનો રોકશો. એટલે કે ભૂખ નિયંત્રણમાં રહેશે તો વજનમાં વધારો પણ નહીં થાય.
2) ડાયાબિટીસના લોકો માટે મદદરૂપ-
દરરોજ બ્રાઉન રાઇસના સેવનથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. તેમજ તેના ઉપયોગથી ડાયાબિટીસ થવાની શક્યતાઓ નહિવત થઈ શકે છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને જ બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.
3) પાંચનમાં કરે છે મદદ-
બ્રાઉન રાઈસ પાચન તંત્રને શ્રેષ્ઠ બનાવવા માટે રોજિંદા આહારમાં સરળતાથી ઉમેરી શકાય છે. બ્રાઉન રાઈસમાં રહેલા ફાઈબર્સ આંતરડાની હલનચલનને નિયંત્રિત કરવામાં અને તમારી આંતરડાની ગતિને નિયમિત રાખવામાં મદદ કરે છે. બ્રાઉન રાઈસ કબજિયાતના ઉપચાર માટે ઉત્તમ પરિણામો આપે છે.
4) કોલેસ્ટ્રોલથી રાહત-
અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ફાઈબરથી ભરપૂર બ્રાઉન રાઈસમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાની ક્ષમતા હોય છે. સાથે જ રાઈસ બ્રાન કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
5) ન્યુરોપ્રોટેક્ટીવ ફાયદા-
બ્રાઉન રાઈસ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તો મદદ કરે જ છે પરંતુ તેની સાથે જ પાર્કિન્સન્સ અથવા અલ્ઝાઈમર જેવા ગંભીર રોગોની સારવારમાં પણ તે ફાયદાકારક છે. બ્રાઉન રાઈસ ડિપ્રેશન અને તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે.
6) હાડકાને કરે છે મજબુત-
બ્રાઉન રાઈસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આર્થરિટીસ અને ઓસ્ટીયોપોરોસીસ જેવી મેડિકલ પરિસ્થિતિઓમાં સારવારમાં મદદરૂપ છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારીઓ માટે છે. આ કોઈપણ પ્રકારનો કોઇ દાવો અથવા વિકલ્પ હોઈ શકે નહીં. વધારે જાણકારી માટે હમેશાં તમારા ડોક્ટરનો સંપર્ક કરો.)