મોનાલી સોની, અમદાવાદઃ બાળકના જન્મથી લઈને તેના વિકાસની પ્રક્રિયામાં આહારની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. બાળકના ખોરાકમાં પાણી, વિટામિન્સ, પ્રોટીન, ખનિજ, ચરબીયુક્ત પદાર્થ જેવા કુલ 40 પૌષ્ટીક તત્વોનો સમાવેશ થવો જરૂરી છે. કેટલા વર્ષે કયો ખોરાક આપવો? પ્રથમ છ માસનાં બાળકનો ખોરાક શું હોવો જોઈએ આ બાબતો જાણવી ખુબ જ જરૂરી છે. પ્રથમ છ માસ દરમિયાન બાળક માટે માતાનું સ્તનપાન સંપૂર્ણ આહાર છે. બાળકનાં શારીરિક અને માનસિક વિકાસ તથા રોગમુક્ત તંદુરસ્ત જીવન માટે છ મહિના સુધી માત્ર માતાનું ધાવણ જ કરાવવું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છ માસથી એક વર્ષ સુધીના બાળકનો ખોરાક
છ માસથી એક વર્ષ સુધી બાળકને માતાના ધાવણ ઉપરાંત ઉપરનો ખોરાક આપવાનો રહે છે. જે બાળકના વિકાસ માટે જરૂરી માગને પૂરી કરવાનું કાર્ય કરે છે. બાળકને માતાના ધાવણની સાથે ઉપરનું દૂધ પણ આપી શકાય છે. આ દૂધ ગાયનું હોવુ જરૂરી છે. કારણકે ગાયના દૂધને બાળક સરળતાથી પચાવી શકે છે. બાળકને અપાતા ખોરાકની માત્રા નક્કી હોવી જોઈએ. જેમકે એક વાટકી, કે અડધી વાટકી જેટલો ખોરાક આપવો. બાળકને દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત ઉપરનો ખોરાક આપવો જોઈએ. ઉપરના ખોરાક તરીકે તમે બાળકને ઘઉં કે રાગીના લોટમાંથી બનાવેલી રાબ આપી શકો. પાણી નાંખ્યા વગરના ગળ્યા દૂધમાં મસળેલી રોટલી કે ભાત આપી શકો. ઘરમાં રાંધેલી જાડી દાળમાં ઘી નાંખીને તેમાં રોટલી કે ભાત મસળીને આપી શકો. ઘીની સાથે ઢીલી ખીચડી દૂધ કે દહીં સાથે આપી શકો. આ સિવાય બાફીને મસળેલુ બટેકુ, પાકુ કેળુ, કેરી કે ચીકુ આપી શકો છો. સિઝનેબલ ફ્રૂટ બાળકને પુરતા પ્રમાણમાં વિટામીન અને મિનરલ પૂરા પાડવાનું કામ કરે છે. કેળા અંગે લોકોમાં ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. કેળાથી શરદી થશે કે ભારે પડ્શે તેવી ખોટી ભ્રમણાથી લોકો બાળકને ઉત્તર કેલરી અને કેલ્શિયમ પૂરુ પાડતા ફળથી વંચિત રાખે છે.

એકથી બે વર્ષના બાળકનો ખોરાક
એકથી બે વર્ષના સમયગાળામાં બાળકને માતાનું ધાવણ અને દિવસમાં ત્રણવાર એકથી દોઢ વાટકી ઉપરનો ખોરાક આપવો. જો બાળકને ધાવણ ન અપાતું હોય તો, દિવસમાં પાંચવાર ઉપરનો ખોરાક આપવો. બાળકોના ખોરાકમાં ઘી, તેલ, ખાંડ અને ગોળ આ ચાર વસ્તુનો સમાવેશ જરૂરથી કરવો. બાળકો જ્યારે ખોરાક ખાવાની શરૂઆત કરે, ત્યારે તેમના ખોરાકમાં ઉપરથી આ ચાર વસ્તુનો સમાવેશ જરૂરથી કરવો. કારણકે ઘી, તેલ, ખાંડ અને ગોળ કેલરી વધારવાનું કામ કરે છે. જે બાળકના વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે. જેમકે, ખીચડીની સાથે ઘી અને ખાંડ ચોળીને આપી શકાય. આ સિવાય ઘી, ખાંડ અને ભાત પણ બાળકને કેલરી પુરી પાડે છે. બાફેલી દાળની અંદર ગોળ અને ઘી મિક્સ કરીને બાળકને આપી શકાય. રોટલી મસળીને તેમાં ગોળ અને ઘી ઉમેરી લાડવો બનાવીને આપી શકાય. કેટલાક માતા-પિતા બાળકોને બજારમાં મળતા બેબી ફૂડ આપે છે. જોકે, બેબી ફૂડ કદાચ બાળક માટે ઉપયોગી ઘણા સારા પદાર્થો ધરાવે છે. આ પ્રકારનું ફૂડ ટ્રાવેલિંગ સમયે ઘણુ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ તે માટેના કેટલાક મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા. જેમ કે, બાળકો માટે બેબી ફૂડ ખરીદતા પહેલા તારીખ ખાસ જોવી. કારણકે પેકિંગમાં હોવાને લીધે તાજુ ન કહી શકાય. જો બાળક ફૂડ ન ખાય, તો બનાવેલ ખોરાકને સ્ટોર કરવુ અઘરુ છે. કારણકે તે સરળતાથી બગડી જાય છે. બાળકોને ઘણી વાર આ સ્વાદની ખૂબ આદત પડી જાય તો અન્ય ખોરાકમાં તેમની રુચિ રહેતી નથી.

બે વર્ષથી ઉપરની વયના બાળકનો ખોરાક
બે વર્ષથી ઉપરનાં બાળકોને દિવસમાં બે વખત જમવાનું અને પાંચ વખત નાસ્તો આપવો. રોજિંદી રસોઈમાંથી બાળકને તેની પસંદ મુજબનો ખોરાક આપવો. જેથી જમવામાં તેની રૂચિ જળવાઈ રહે. આ સિવાય બાળકોને કલરફુલ ખોરાક ખૂબ પસંદ હોય છે. એટલે તેમને જમાડવાની ડિશ આકર્ષક સજાવવી. બાળકોને નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ, મખાણા, દાળિયા આપી શકાય. ઘણા લોકો બાળકોને મમરા, વેફર, પોપકોર્ન, બિસ્કિટ જેવો નાસ્તો આપે છે. જેમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. બાળકોને જો આવા ફૂ઼ડની આદત પડી જાય, તો તેનામાં પોષણની ખામી સર્જાઈ શકે છે. ઘણીવાર આવા ખોરાકનું પાચન ન થઈ શકવાના કારણે બાળકોમાં સમસ્યા પણ સર્જાય છે. દરેક બાળકની પોતાની પસંદ હોય છે. કેટલાક બાળકોને ગળ્યું નથી ભાવતુ, તો કેટલાક બાળકોને ખારુ...એટલા માટે દરેક માતાએ પોતાના બાળકની રૂચિ મુજબ ખોરાક બનાવવો. જરૂરી નથી કે, તમે મહેનતથી બનાવેલો ખોરાક બાળક ખાશે જ. બાળકોનો ખોરાક બનાવવામાં સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખો. માતાએ વારંવાર હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ. બાળક પણ મોંઢામાં આંગળા નાંખતા હોવાથી ઘરમાં પણ સ્વચ્છતાપ્રિય બનો. તમારા બાળકની સરખામણી અન્ય બાળકો સાથે કરવાની ભૂલ ક્યારેય ન કરતા. કારણકે બાળકની ભૂખ, ઊંઘ તેનો શારિરીક બાંધો ઘણાં પરિબળો પર આધાર રાખે છે. જો તમારે બાળકનો વિકાસ યોગ્ય છે કે નહીં, તે જાણવુ હોય, તો બાળકોના ડૉક્ટરની સલાહ લો.
બાળકને થતી કોઈપણ સમસ્યાના ઉકેલ માટે ડૉક્ટરની સલાહ લો. ઘરગથ્થુ ઉપચાર કે ઊંટવૈદુનું અનુસરણ ન કરવું. કેટલાક પીઢ પીડિયાટ્રિક્સ વૈજ્ઞાનિકોની સલાહ પણ માનવાની ના પાડે છે.

બાળકોનું વજન
ઘણીવાર માતાઓ બાળકનાં વજનને લઈ થોડી વધારે પડતી ચિંતિત હોય છે. પરંતુ જો તમારુ બાળક ગમે તેટલું ઓછું ખાતું લાગતું હોય પણ તે હસતું રમતું હોય સારી રીતે ઊંઘતું હોય અને વજન બરોબર વધતું હોય તો તેનો ખોરાક બરોબર છે એમ માનવું.

આ ખોરાક બાળકનું વજન વધારવામાં કરશે મદદરૂપ
હકીકતમાં બાળકનું વજન તેના ખોરાક પર નિર્ભર રહે છે. અત્યારનાં બાળકો જમવામાં ખૂબ નખરા કરે છે. એવામાં કેટલાક ખોરાક એવા છે, જે ખાવાથી બાળકો સ્વસ્થ પણ રહે છે, અને વજન પણ સંતુલિત રહે છે.
ઘી અને માખણઃ બાળકોનું વજન વધારવુ હોય તો,  ઘી અને માખણ બેસ્ટ ઓપ્શન છે. બાળકને દાળમાં ઘી કે માખણ આપવાથી તેને પોષણ પણ મળશે અને વજન પણ વધશે.
મલાઈવાળું દૂધઃ જો બાળકોનું વજન ઓછું છે, તો તેમને મલાઈવાળં દૂધ પીવડાવો. જો બાળક દૂધ પીવાનું પસંદ નથી કરતુ તો તેને શેક બનાવીને આપો. મલાઈ બાળકનું વજન વધારવામાં મદદરૂપ થાય છે.
સૂપ, સેન્ડવિચ, ખીર અને શીરોઃ આ ચારેય વસ્તુઓ જો યોગ્ય પ્રમાણમાં બાળકને આપવામાં આવે તો બાળકોના સ્વાસ્થ્ય માટે ફયદાકારક છે.
બટાકા અને ઇંડાઃ ઇંડા અને બટાકા બંનેમાં ઉર્જા હોય છે. ઈંડામાં પ્રોટીન ખૂબ વધુ હોય છે તો બટાકામાં કાર્બોહાઈડ્રેટ. બાળકોને ઈંડા અને બટાકા બાફીને ખવડાવી શકો છો.
સ્પ્રાઉટઃ સ્પ્રાઉટ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. જો બાળકોમાં રેગ્યુલર સ્પ્રાઉટ ખવડાવવાની આદત વિકસાવવામાં આવે, તો વજન પણ સંતુલિત રહે છે અને પ્રોટીનની માત્રા પણ જળવાઈ રહે છે.
વ્યવહાર અને દિનચર્યાઃ બાળકને સ્વસ્થ રાખવા માટે તેના વ્યવહાર અને દિનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે. બાળકને જમાડવામાં તેના સમયનું ધ્યાન રાખવુ જરૂરી છે. બાળકોને યોગ્ય સમયે યોગ્ય ખોરાક મળી રહે તો તેનું સ્વાસ્થ્ય જળવાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube