ખુબ જ ફાયદાકારક છે ગોળ, ઠંડીમાં ખાસ કરો સેવન
ઠંડીની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. એક્સપર્ટ્સ પણ કહે છે કે નાની મોટી બીમારીઓમાં દવા લેવા કરતા સારું છે કે ઘરેલું ઉપચાર અજમાવો. રસોડામાં એવી અનેક ચીજો ઉપલબ્ધ છે જે તમને રોગ સામે લડવામાં મદદરૂપ છે. જેમાંથી એક છે ગોળ. ઠંડીની ઋતુમાં શરીર માટે ગોળ ખુબ ઉપયોગી થઈ પડે છે. જો તમે ઈચ્છતા હોવ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તો આ રીતે ગોળનું સેવન કરો.
રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાય
અનેક એવી વસ્તુઓ છે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબુત થાય છે. જો તમે શરદી, ફ્લુથી બચવા માંગતા હોવ તો ગોળનું આજથી જ સેવન શરૂ કરી દો. આ ઉપરાંત ગોળ ઠંડીમાં ગરમી પણ ઉત્પન્ન કરે છે અને ઠંડીથી બચાવે છે.
ગોળથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
ગોળ આરંભકાળથી જ ખાણીપીણીનો હિસ્સો રહ્યો છે. આજે પણ ગામડામાં લોકો ગોળ અને તેનાથી બનેલી વસ્તુઓનું નિયમિતપણે સેવન કરે છે. તેનાથી શરદી, ઉધરસ, ગળામાં ખરાશ જેવી નાની મોટી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત નાના મોટા શહેરોમાં પ્રદૂષણની સમસ્યા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ છે તે લોકો તો ખુબ પરેશાન છે. આવામાં લોકોએ ગોળનું સેવન જરૂર કરવું જોઈએ.
શરીરની સફાઈ કરે છે ગોળ
ગોળ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં તથા ગંદકી સાફ કરવાનું કામ કરે છે. અનેક લોકો બહારથી આવ્યાં બાદ કે ભોજન બાદ ગોળ જરૂર ખાય છે. કારણ કે તે પાચનમાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે ગળા અને ફેંફસા માટે પણ ફાયદાકારક છે. આ સાથે જ ગોળ શરીરના મેટાબોલિઝમને પણ સારું રાખે છે. આ ઉપરાંત ગોળ અસ્થમાના રોગીઓ માટે પણ લાભકારી છે કારણ કે તેમાં એન્ટી એલર્જિક ગુણ હોય છે.
કેવી રીતે કરશો ગોળનું સેવન
ગળાની ખારાશ અને પ્રદૂષણની સમસ્યાઓથી દૂર રહેવું હોય તો તમારે એક ચમચી માખણમાં થોડો ગોળ અને હળદર ભેળવીને ખાવો જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 2-4 વાર આ પ્રકારે સેવન કરો. નિયમિત રીતે આ રીતે ખાવાથી શરીરમાં હાજર ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીરને ટોક્સિન ફ્રી બનાવવામાં સહાયતા મળે છે. જો તમે ગોળને સરસવના તેલમાં ભેળવીને ખાશો તો તમને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે.