ધુમ્રપાન ન કરતા લોકો કેમ બની રહ્યા છે ફેફસાંના કેન્સરના શિકાર? જાણો કારણ
ભારતમાં ફેફસાનાં કેન્સરનું એક મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ પણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું માનીએ તો વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે ફેફસાંના કેન્સરથી 18 લાખ લોકોનાં મોત થાય છે...વાયુ પ્રદૂષણને ફેફસાંના કેન્સર સહિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડવામાં આવે છે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કેન્સરને કારણે સૌથી વધુ મોત થાય છે. એમાં પણ ફેફસાંના કેન્સરને કારણે સૌથી વધુ લોકો જીવ ગુમાવે છે. બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર બાદ ફેફસાનું કેન્સર કેન્સરનો સામાન્ય પ્રકાર છે. ફેફસાંના કેન્સરનું મુખ્ય કારણ તમ્બાકુનાં સેવનથી થતા ધુમાડાને માનવામાં આવે છે. ધુમ્રપાન કરનારાઓમાં ફેફસાંના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો કે એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, જે લોકો ધુમ્રપાન નથી કરતા તેમનામાં પણ ફેફસાનાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પાછળ કેટલાક કારણો જવાબદાર છે, આ કારણો નીચે મુજબ છે. એમાંય જે લોકો સતત સિગારેટ પીવે છે સતત ધુમ્રપાન કરે છે તેમને તો અત્યંત ગંભીર તકલીફ થઈ શકે છે. આવા લોકો મોત તરફ આગળ વધી રહ્યાં છે એવું કહેવું પણ અતિશ્યોક્તિ ભર્યું નથી.
ધુમ્રપાન કરનારાઓનાં સંપર્કમાં આવવાથી: ઘણા લોકો એવા હોય છે, જે ધુમ્રપાન તો નથી કરતા પણ, ધુમ્રપાન કરનારા લોકોનાં સંપર્કમાં રહેતાં હોય છે. જો તમે સ્મોકિંગ કરતી કોઈ વ્યક્તિ પાસે ઉભા છો, તો અજાણતા જ તમે ધુમ્રપાનનો ધુમાડો શ્વાસમાં લઈ રહ્યા છો. આ ધુમાડો ફેફસાંમાં જતા કેન્સરનું જોખમ રહે છે.
વાયુ પ્રદૂષણ: ભારતમાં ફેફસાનાં કેન્સરનું એક મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ પણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું માનીએ તો વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે ફેફસાંના કેન્સરથી 18 લાખ લોકોનાં મોત થાય છે...વાયુ પ્રદૂષણને ફેફસાંના કેન્સર સહિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડવામાં આવે છે. વર્ષ 2020માં ધ લાન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, 2019માં ભારતમાં વાયુ પ્રદૂષણથી 17 લાખ લોકોનાં મોત થયા હતા.
ફેમિલી હિસ્ટ્રી: જીન મ્યુટેશનથી પરિવારના સભ્યોમાં ફેફસાંના કેન્સરનું જોખમ વધી શકે છે. જે પરિવારમાં ફેફસાંના કેન્સરનાં દર્દીઓ હોય, તે પરિવારનાં અન્ય સભ્યોમાં આ જોખમ વધુ હોય છે.
રેડિએશન: રેડિએશન એક્સપોઝર ફેફસાંના કોષોમાં ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી મ્યુટેશન થઈ શકે છે અને ફેફસાંના કેન્સરનું કારણ બની શકે છે. ઉચ્ચ સ્તરનાં આયનીકરણ વિકિરણનાં સંપર્કમાં આવતા તેમજ પરમાણું ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં ફેફસાંના કેન્સરનું જોખમ વધુ હોય છે.