નવી દિલ્હીઃ ઠંડીની સિઝન એટલે સ્વાસ્થ્યની સિઝન. એવું કહવાય છેકે, શિયાળાના ચાર મહિના દબાઈને ખાઓ-પીઓ તો આખું વર્ષ શરીર તાજુમાજુ રહે છે. જોકે, દબાઈને ખાવાનો અર્થ એ છેકે, સારી સારી સ્વાસ્થ્ય વર્ધક ચીજોનું સેવન કરવું અને તેની સામે એટલી કસરત પણ કરવી. શિયાળાની સિઝનમાં શાકભાજી અને ફળફળાદી ખુબ સારા આવે છે. એટલું જ નહીં આ સિઝનમાં ડ્રાઈફ્રૂટ પણ સારા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ઠંડીની સિઝનમાં તમે પ્રમાણમાં સારો ખોરાક લઈ શકો છો. ચોમાસા કે ઉનાળામાં એટલો ખોરોક લઈ શકાતો નથી. તેથી કહેવાય છેકે, આ ચાર મહિનામાં ખાધેલું તમને આખુંય વર્ષ કામ લાગશે. ત્યારે અમુક વિશેષ પ્રકારના હલવો ખાવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત ખુબ લાભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ ગરમાગરમ હલવો ખાવાનું મન સૌને થઈ જાય. મોટાભાગના લોકો શિયાળામાં ગાજર, સોજી, રાજગરો, સિંઘોડાના લોટનો હલવો બનાવીને ખાય છે. શિયાળામાં હલવાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી શરદી, ખાંસી અને કફ સામે રક્ષણ મળે છે. તમે ઈચ્છો તો, શિયાળામાં શરીરમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘઉંના લોટનો હલવો બનાવી તેનું પણ સેવન કરી શકાય છે. આમ તો ઘણા લોકો તેને બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેને હેલ્ધી બનાવવા માટે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. ઘઉંના લોટમાં ગોળ મિક્સ કરીને હલવો બનાવવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ ફાયદા વિસ્તૃતમાં.


લોટનો હલવો બનાવવાની રીત-
લોટનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં લોટ નાખીને તેને શેકો. લોટને હંમેશાં ધીમી આંચે જ શેકવો જોઈએ. લોટ સોનેરી થવા લાગે અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકતા રહો, ત્યારબાદ તેમાં ઝીણો કતરેલો ગોળ નાખો અને બરાબર મિક્સ કરી લો. લોટ અને ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દૂધ નાખો અને હલવાને બરાબર ચઢવો. એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે, લોટના ગઠ્ઠા ન પડે. દૂધ નાખ્યા બાદ હલવાને 4-5 મિનિટ સુધી હલવાને ચઢવો અને ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં કતરેલા સૂકામેવા નાખો અને ગરમાગરમ સર્વ કરો. તમે ઈચ્છો તો તેમાં નારિયેળનો બુરાદો પણ નાખી શકો છો.


શક્તિ આપે છે ગોળ અને લોટનો હલવો-
લોટનો હલવો ખાવાથી શરીરને પૂરતી શક્તિ મળે છે. વાસ્તવમાં લોટના હલવામાં કાર્બ્સ અને એનર્જી હોય છે. તે શરીરને શક્તિ અને ઉર્જા આપે છે. આખો દિવસ એનર્જેટિક રહેવા માટે સવારના નાસ્તામાં લોટનો હલવો બનાવીને ખાઈ શકાય છે. તેનાથી થાક અને નબળાઈ દૂર થશે.


પેટ માટે ફાયદાકારક છે ગોળ અને ઘઉંના લોટનો હલવો-
શિયાળામાં પેટ અપસેટ થવાની સમસ્યા બહુ સતાવતી હોય છે. જે લોકોને પેટ સાથે સંકળાયેલ સમસ્યા રહેતી હોય તેઓ લોટ અને ગોળનો હલવો બનાવીને ખાઈ શકો છો. ગોળનો હલવો ખાવાથી પાચનમાં સુધારો થાય છે. પાચન તંત્ર સરખી રીતે કામ કરે છે અને પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓમાં આરામ મળે છે.


બ્લડ પ્યૂરીફાઈ કરવામાં મદદ કરશે લોટનો હલવો-
શિયાળામાં આપણને સૌને ફાસ્ટ ફૂડનું સેવન કરવાની આદત હોય છે. તેનાથી આપણું પાચનતંત્ર ખરાબ થાય છે. સાથે-સાથે બ્લડમાં પણ અશુદ્ધિ થવા લાગે છે. એવામાં તમે લોહીને શુદ્ધ કરવા માટે હલવો બનાવીને ખાઈ શકો છો. ગોળનો હલવો સ્વાદિષ્ટ લાગવાની સાથે-સાથે તેમાં ભરપૂર પોષકતત્વો પણ હોય છે. લોટને પ્યૂરીફાઈ કરવા માટે ઝીણા લોટનો હલવો બનાવીને ખાઈ શકાય છે.


હાડકાં મજબૂત બનાવે છે ગોળ-લોટનો હલવો-
ગોળ અને લોટનો હલવો બનાવી તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. જો તમને સાંધા અને સ્નાયુઓની સમસ્યા સતાવતી હોય તો, તમે આ હલવાનું સેવન કરી શકો છો. ગોળમાં રહેલ કેલ્શિયમ અને વિટામિન્સ હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.


રોગ પ્રતિકારક શક્તિ વધારશે ગોળ-લોટનો હલવો-
લોટનો હલવો ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. વાસ્તવમાં શિયાળામાં કફ, શરદી, ખાંસી જેવી સમસ્યાઓ બહુ વધી જાય છે. આ સ્થિતિમાં ગોળનો હલવો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને તમે જલદી બીમાર પણ નહીં પડો.


(DISCLAIMER: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.)